દિલ્હી: શાહીન બાગમાં CAA(નાગરિકતા કાયદા) ના વિરોધમાં રસ્તો બ્લોક કરીને કરવામાં આવેલા પ્રદર્શનને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે પ્રશાસને કાર્યવાહી કરવી જોઈતી હતી, જે તેમણે નથી કરી. કોર્ટે કહ્યું કે, જાહેર સ્થળ પર અનિશ્ચિતકાળ માટે કબ્જો જમાવી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે ધરણા પ્રદર્શનનો અધિકાર પોતાની જગ્યાએ છે પરંતુ અંગ્રેજોના રાજવાળી હરકત અત્યારે કરવી એ યોગ્ય નથી. કોર્ટે આશા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં આવી સ્થિતિ ન બને.


શાહીન બાગ પરથી પ્રદર્શનકારીઓને હટાવ્યા બાદ લગભગ 7 મહિના બાદ આપેલા ચૂકાદામાં કોર્ટે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન અને વિરોધમાં લોકોના વિચાર છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર થતી ચર્ચાથી પણ ભાવનાઓ વધુ તેજ બની જાય છે. વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોતાની વાત મુકી પણ મુખ્ય રસ્તાને લાંબા સમય સુધી રોકી રાખવું યોગ્ય નથી.



જસ્ટીસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, “સંવિધાનના અનુચ્છેદ 19 1(a) હેઠળ પોતાની વાત કહેવા અને 19 1(b) હેઠળ કોઈ પણ મુદ્દે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે. પરંતુ આ અધિકારની પણ મર્યાદાઓ છે. સાર્વજનિક જગ્યાએ અનિશ્ચિતકાળ સુધી બ્લોક કે ધરણા કરી શકાય નહીં. તેનાથી અન્ય લોકોને અવર-જવર કરવામાં હાલાકી ભોગવવી પડી શકે છે. એવી સ્થિતિમાં તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ. આ મામલે પણ કાર્યવાહી થવી જોઈતી હતી પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.

દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા કાયદાના વિરોધમાં 100 દિવસ કરતા પણ વધુ સમય સુધી લોકોએ રસ્તો બ્લોક કરી ધરણા પ્રદર્શન કર્યા હતાં. મુખ્ય રસ્તો બંધ રહેતા દરરોજ લાખો લોકોને મુશ્કેલની સામનો કરવો પડ્યો હતો. તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરાઈ હતી.

કોર્ટે પોલીસને ભીડ પર કાર્યવાહીનો નિર્દેશ આપવાની જગ્યાએ લોકોને સમજાવીને હટાવવું યોગ્ય ગણાવ્યું. આ કામ માટે 2 વાર્તાકાર સંજય હેગડે અને સાધના રામચંદ્રનને નિયુક્ત કરાયા હતા. તેની વચ્ચે કોરોના મહામારીના કારણે કોર્ટનું સામાન્ય કામકાજને અડચણ થઈ હતી.