નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ માટે આજ શુક્રવારનો દિવસ મહત્વનો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને રાત્રે 12 વાગ્યા અગાઉ એડજસ્ટેડ ગ્રોવ રેવેન્યૂ એટલે કે એજીઆર જમા કરવાનો આદેશ આપ્યો છે. જેનો અર્થ એ થયો કે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં ટેલિકોમ કંપનીઓ એજીઆરની ચૂકવણી નહી કરે તો તેમના પર મોટી કાર્યવાહી થઇ શકે છે. નોંધનીય છે કે ટેલિકોમ કંપનીઓના 1.47 લાખ કરોડથી વધુ રૂપિયા ચૂકાવવાના છે.

ટેલિકોમ વિભાગનો આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને ઝટકો આપ્યો હતો. વાસ્તવમાં એજીઆરની ચૂકવણી માટે વધુ સમયની માંગ કરતી વોડાફોન-આઇડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલિસર્વિસિસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને ફગાવતા કોર્ટે કારણ બતાઓ નોટિસ આપી હતી. આ નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે, એજીઆર પર કોર્ટના આદેશને કેમ માનવામાં આવી રહ્યો નથી.

કોર્ટે કહ્યું કે, શું આ દેશમાં કોઇ કાયદો બચ્યો નથી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર અમલ નહી કરવાને લઇને કડક ટિપ્પણી કરી હતી અને ટેલિકોમ મિનિસ્ટ્રીના ડેસ્ક અધિકારીના એક આદેશ પર પોતાના નારાજગી વ્યક્ત કરી હતી. વાસ્તવમાં ટેલિકોમ મિનિસ્ટ્રીના ડેસ્ક અધિકારીએ એજીઆર ચુકવણી મામલે કોર્ટના નિર્ણયના પ્રભાવ પર રોક લગાવી દીધી હતી. ડેસ્ક અધિકારીએ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ અને અન્ય અધિકારીને પત્ર લખી કહ્યું કે, તે ટેલિકોમ કંપનીઓ અને અન્ય પર આ રકમની ચૂકવણી માટે દબાણ ના કરો. સાથે જ એ સુનિશ્વિત કરો કે તેમના વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી થાય નહીં.