નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ હવે CBIની વિશેષ ટીમ કરી રહી છે. આ મામલે CBIની ટીમે સુશાંતના ફ્લેટ મેટ સિદ્ધાર્થ પિઠાની, દીપેશ સાવંત અને નીરજની ઘણી વખત પૂછપરછ કરી છે. ત્યાર બાદ રિયા ચક્રવર્તીને પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. જ્યારે રાજ્યસભા સાંસદ અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે, રિયાની ધરપકડ કરીને પૂછપરછ કરવી જોઈએ.


ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહના મોતના મામલે ટ્વીટ કરી લખ્યું કે, જો રિયા ચક્રવર્તી જે પણ નિવેદન આપી રહી છે તેમાં મહેશ ભટ્ટની સાથે થયેલ તેની વાતચીતનો મેળ ન ખાતો હોય તો સીબીઆઈએ રિયાની ધરપકડ કરી પૂછપરછ કરવી જોઈએ. જેથી સત્ય સુધી પહોંચી શકાય. તેમનું કહેવું છે કે, સીબીઆઈની પાસે સત્ય લાવવા માટે આનાથી સારો કોઈ ઉપાય નથી.


જણાવીએ કે, CBIની ટીમે સુશાંતના ફ્લેટ મેટ સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજની 11 કલાક સુધી પૂછપરછ કરી છે. સિદ્ધાર્થ પિઠાનીએ રિયાને લઈને જે ખુલાસો કર્યો છે તેનું સત્ય રિયાને પૂછવામાં આવશે. CBI રિયાને સુશાંતના કેસમાં જે સવાલ કરશે તેને અન્ય લોકોના નિવેદન સાથે મેળવવામાં આવશે. જ્યારે CBIની ટીમ રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીની પણ પૂછપરછ કરી છે.

આ પહેલા પણ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહના મોતને લઈને મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર સવાલ ઉભા કર્યા હતા. તેની સાથે જ સુબ્રમણ્યમ સ્વામીએ એ લોકોમાંથી એક હતા જેમણએ સુશાંતની મોતને લઈને CBI તપાસની માગ કરી હતી. તેની સાથે જ સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો.