આ મહિને બંગાળની ખાડીમાં પાંચ વખત લો પ્રેશરની સિસ્ટમ સર્જાઈ છે. આ પહેલા 4, 9, 13 અને 19 ઓગસ્ટે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી જેને કારણે રાજ્યના ઘણાં ભાગોમાં ભારે વરસાદ થયો હતો અને છેલ્લા અઠવાડિયે ઘણાં વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પૂર્વ અને પશ્ચિમી મિદનાપુર, દક્ષિણ 24 પરગના, ઝારગ્રામ, હાવડા, હુગલી, બાંકુરા અને બીરભૂમ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ, તમિલનાડુના ઘણાં વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પૂર્વ રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે જે હવે પશ્ચિમી રાજસ્થાન તરફ આગળ વધે તેવી સંભાવના છે.
આનો પ્રભાવ પૂર્વ રાજસ્થાનમાં આજથી ઓછો થશે જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આગામી ત્રણ-ચાર દિવસ લો પ્રેશર સિસ્ટમ સર્જાયેલી રહેશે જેના કારણે સતત વરસાદ પડતો રહેશે. હવામાન વિભાગે ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે બાડમેર અને ઝાલોર જિલ્લામાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે સિરોહી અને ઉદેયપુર જિલ્લામાં ઘણી જગ્યાએ ભારે વરસાદનું અનુમાન છે.