અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) ફરી એકવાર અદાણી ગ્રુપ (Adani Group) પર નિશાન સાધ્યું છે. હિંડનબર્ગે દાવો કર્યો હતો કે સ્વિસ અધિકારીઓએ મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપોની તપાસના ભાગરૂપે અદાણી જૂથના છ સ્વિસ બેન્ક એકાઉન્ટ્સમાં જમા કરાયેલા 31 કરોડ ડોલરથી વધુની રકમ ફ્રીઝ કરી છે.
હિંડનબર્ગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે સ્વિસ અધિકારીઓએ મની લોન્ડરિંગ અને છેતરપિંડી અંગેની તપાસના ભાગરૂપે અદાણી ગ્રુપના કેટલાક સ્વિસ બેન્ક એકાઉન્ટ્સમાં જમા કરાયેલા 310 મિલિયન ડોલરથી વધુ રકમને ફ્રીઝ કરી દીધી છે. આ તપાસ 2021થી ચાલી રહી છે.
હિંડનબર્ગે એક સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીને ટાંકીને જણાવ્યું હતું કે કઇ રીતે અદાણીનું પ્રતિનિધિત્વ કરતા એક સહયોગીએ બ્રિટિશ વર્જિન ટાપુઓ/મોરિશિયસ અને બર્મુડામાં શંકાસ્પદ ભંડોળમાં રોકાણ કર્યું હતું. આ ફંડના મોટા ભાગના રૂપિયા અદાણીના શેર્સમાં રોકાયા હતા. આ છ સ્વિસ બેન્કોમાં 31 કરોડથી વધુ ડોલર હતા, જે હવે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડ પરથી આ જાણકારી મળી હતી.
અદાણી ગ્રુપે હિંડનબર્ગના આ આરોપોને ખોટા ગણાવ્યા છે. ગ્રુપે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ બધું તેમની માર્કેટ વેલ્યુને નીચે લાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમજ અમારી કંપનીનું કોઈ એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યું નથી. અમારું વિદેશી હોલ્ડિંગ સ્ટ્રક્ટર સંપૂર્ણપણે પારદર્શી અને કાયદા અનુસાર છે. અમને એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે આ તે લોકોનો પ્રયાસ છે જેઓ અમારી પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.
હિંડનબર્ગે ગયા વર્ષે આ આરોપ લગાવ્યો હતો
હિંડનબર્ગ રિસર્ચે ગયા વર્ષે 24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રુપ પર 106 પેજનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર દેવાથી લઈને શેરના ભાવમાં હેરાફેરી સુધીના વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. હિંડનબર્ગના પ્રથમ રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં લગભગ 60 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જો કે, અદાણી ગ્રુપના શેરોએ આ વર્ષે રિકવરી મેળવી હતી.