નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અગાઉ ગાંધી પરિવારથી પ્રિયંકા ગાંધી વાડ્રાની સક્રીય રાજનીતિમાં આવવાના નિર્ણયનો કેટલાક લોકો સ્વાગત કરી રહ્યા છે તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીને કોગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેમને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રિયંકાના રાજનીતિમાં આવવાને લઇને સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. વાસ્તવમાં પ્રિયંકા ગાંધીને કોગ્રેસ પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને પૂર્વ ઉત્તરપ્રદેશનો કાર્યભાર સોંપ્યો છે. તે સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્વિમ યુપીના પ્રભારી બનાવાયા છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, યુવાઓને તક આપવામાં આવી રહી છે. જેનાથી સમાજવાદી પાર્ટી ખુશ છે. હું કોગ્રેસ પાર્ટી અને તેના અધ્યક્ષને અભિનંદન આપું છું કે તેમણે યોગ્ય નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે સમાજવાદી અને બસપા ગઠબંધનમાં કોગ્રેસને અલગ રાખ્યા બાદ રાહુલ ગાંધીએ પ્રિયંકાને રાજનીતિમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. તેમને આશા છે કે પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી ઉત્તરપ્રદેશમાં કોગ્રેસ મજબૂત બનશે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રિયંકા ગાંધીના રાજનીતિમાં પ્રવેશ કરવા પર કહ્યું હતું કે, ઝીરો પ્લસ ઝીરો બરાબર ઝીરો થાય છે. એટલે કે જો શૂન્યમાં શૂન્યને જોડી દેવામાં આવે તો શૂન્ય જ થાય છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, એવું પ્રથમવાર થયું નથી જ્યારે પ્રિયંકા રાજનીતિમાં આવી હોય. આ અગાઉ પણ તે 2014 અને 2017માં પાર્ટી માટે ઉત્તરપ્રદેશમાં કામ કરી ચૂકી છે. પરંતુ કોગ્રેસને તેનો કેટલો ફાયદો થયો હતો તે સૌ કોઇ જાણે છે.