નવી દિલ્હી: દેશમાં ખતરનાક કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ત્રણ હજારને પાર પહોંચી છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત થયા છે. 200થી વધુ લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં તબ્લીગી જમાતના સદસ્યોના કારણે 14 રાજ્યોમાં કરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે.


મળતી માહિતી પ્રમાણે અલમી મરકઝ અને તેના નિઝામુદ્દીન સ્થિત મુખ્યાલયોમાં ફંડિગ સ્ત્રોતની જાણકારી માંગી છે. જમાતે છેલ્લા ત્રણ વર્ષમાં કેટલો ટેક્સ ભર્યો, તેના બેંક ખાતામાં ક્યાંથી પૈસા આવ્યા, આ ઉપરાંત પાન કાર્ડ ડિટેલ્સ પણ માંગવામાં આવી છે.


મરકઝના પ્રમુખ મૌલાના સાદ અને છ અન્ય સભ્યો પાસેથી 11 થી 13 માર્ચ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં સામેલ થયેલા વિદશીઓ તથા ભારતીય જમાતીઓનું લિસ્ટ પણ માંગ્યુ છે.


તબલીગી જમાતની શું છે કામગીરી ?


તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.


 તબલીગી-એ-જમાત વર્ષો જૂની મુસ્લિમ સંસ્થા છે.  જેનું હેડ ક્વાર્ટર દિલ્હીના નિઝામુદ્દીનમાં છે. અહીંયા દેશ-વિદેશમાં લોકો વર્ષભર આવતા રહે છે.