Yamuna River Water Level:  ભારે વરસાદને પગલે યમુના નદીનું પાણી આગરાના વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની દિવાલો સુધી પહોંચી ગયું છે. જોકે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું કહેવું છે કે પાણીનું સ્તર વધવાને કારણે તાજમહેલને કોઈ ખતરો નથી. ઉલ્લેખનીય છે કે 1978 અને 2010માં જ યમુનાનું પાણી તાજમહેલની દિવાલ સુધી પહોંચ્યું હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદને પગલે યમુના નદીના પાણી તાજમહેલની દીવાલ સુધી ભરાયેલા જોવા મળી રહ્યા છે. 






ભારે વરસાદને લીધે યમુનાનું પાણી પહોંચ્યું તાજમહેલ


અધિકારીઓના જણાવ્યા અનુસાર યમુનાના પાણીનું સ્તર 499 ફૂટના 'મધ્યમ પૂરના સ્તર'ને વટાવી ગયું છે. મંગળવારે અહીં પાણીનું સ્તર 499.97 ફૂટ પર પહોંચી ગયું, જેના કારણે પાણી તાજમહેલની દિવાલોની નજીક આવી ગયું અને સ્મારકની પાછળનો બગીચો ડૂબી ગયો છે. તાજમહેલના સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયીએ મંગળવારે કહ્યું, "વર્ષ 2010 અને તે પહેલા 1978માં યમુનાનું પાણી તાજમહેલની દિવાલો સુધી પહોંચ્યું હતું. 1978ના પૂરમાં પાણી સ્મારકના ભોંયરામાં રૂમમાં પ્રવેશ્યું હતું.


પરિસરના પાયામાં 42 કૂવા છે


સંરક્ષણ સહાયકે કહ્યું, “આ વર્ષે પણ તાજમહેલ સુધી પાણી પહોંચી ગયું છે, પરંતુ સ્મારકને કોઈ ખતરો નથી. મુખ્ય સમાધિ ઊંચા પ્લેટફોર્મ પર બનેલી છે. તે ચમેલી ફ્લોર પર ઉભું છે, અને તેના પાયામાં 42 કુવાઓ છે અને કુવાઓની ઉપર સાલ લાકડાની રચના છે.” અધિકારીએ વધુમાં જણાવ્યું કે ચમેલીનું માળખું લાલ રેતીના પથ્થર અને સફેદ આરસપહાણથી બનેલું છે.


45 વર્ષમાં પહેલીવાર યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું


ઉલ્લેખનીય છે કે 45 વર્ષમાં પહેલીવાર આગ્રામાં યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું છે અને યમુનાના પાણીથી તાજમહેલના મુગલ ગાર્ડન ભરાઈ ગયુ છે. યમુના નદી એતમાદૌલા સ્મારક પાસેથી પસાર થઈ રહી છે. યમુનાના વધતા જળ સ્તરને લઈને વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. તાજમહેલની આસપાસ બનેલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે.


ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 


તાજગંજ સ્મશાન અને પોયાઘાટ બંને સંપૂર્ણપણે ડૂબી ગયા છે. બીજી તરફ, પ્રાચીન દશેરા ઘાટ, એતમાદૌલાનો મકબરો, રામ બાગ, મહેતાબ બાગ, જોહરા બાગ, કાલા ગુંબડ જેવા વિસ્તારોમાં પૂરનો ભય તોળાઈ રહ્યો છે.