ચેન્નઈ: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શુક્રવારે રાજ્યમાં ઓનલાઈન જુગાર  (Online Rummy)  વિરુદ્ધ ઈમરજન્સી કાયદો પસાર કરવા સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ સમિતિનું નેતૃત્વ ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ કે ચંદ્રુ કરશે, જે સામાજિક સુધારણાના મુદ્દાઓની હિમાયત, લિંગ અને જાતિ સંબંધિત મુદ્દાઓ પર તેમના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ માટે જાણીતા છે. સીએમ સ્ટાલિનનો આ આદેશ ચેન્નઈમાં 6 જૂને 29 વર્ષની મહિલાએ કથિત રીતે આત્મહત્યા કર્યા બાદ આવ્યો છે. ઓનલાઈન રમીની ગેમમાં 20 સોનાના ઘરેણા અને 3 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ મહિલાએ આત્મહત્યા કરી હતી.


દેશમાં કોરોનાના કારણે લાગુ કરાયેલા પ્રથમ લોકડાઉન દરમિયાન ભવાની નામની મહિલાએ ઓનલાઈન જુગાર રમવાનું શરૂ કર્યું હતું. પરિવારના સભ્યોની ચેતવણીઓ છતાં, તેણીએ કોઈ દિવસ મોટી કમાણી કરવાની આશામાં ઓનલાઈન રમી રમવાનું ચાલુ રાખ્યું. પરિવારજનોનું કહેવું છે કે તેણે ઓનલાઈન જુગાર રમવા માટે સોનાના દાગીના ગીરવે મુકીને પૈસા લીધા હતા. તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભવાનીએ તેની બે બહેનો પાસેથી રૂ. 1.5 લાખ ઉછીના પણ લીધા હતા અને કહ્યું હતું કે આ પૈસા સાથે તેણીએ ગીરવે મૂકેલા દાગીના પાછા લાવશે. પોલીસને જાણવા મળ્યું કે તેના મૃત્યુના 4 દિવસ પહેલા, ભવાનીએ તેની એક બહેનને કહ્યું હતું કે તેણીએ પૈસા ગુમાવ્યા છે અને ફરીથી ઑનલાઇન રમી નહીં રમવાનું વચન આપ્યું હતું.


તમિલનાડુમાં ઓનલાઈન જુગારના કારણે થતા મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે, જે રાજકીય પક્ષોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. AIADMK સંયોજક ઓ પનીરસેલ્વમે તમિલનાડુ સરકારને ઑનલાઇન જુગાર સામે નક્કર પગલાં લેવા વિનંતી કરી છે, જે "ઘણા પરિવારોને રસ્તા પર લાવવા" માટે જવાબદાર છે. પીએમકેના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.અંબુમણિ રામદાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 10 મહિનામાં 22 લોકોએ ઓનલાઈન જુગારમાં પૈસા ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી છે.


રામદાસે જણાવ્યું હતું કે ઓનલાઈન જુગારને નિયંત્રિત કરવા માટે અદાલતે કાયદો સૂચવ્યા પછી પણ રાજ્ય સરકાર કાયદામાં સુધારો કરવામાં નિષ્ફળ રહી છે. PMK નેતાએ કહ્યું કે પાર્ટી ઓનલાઈન જુગારના નિયમન માટે કાયદા માટે સતત અભિયાન ચલાવી રહી છે અને સરકારને અનેક મેમોરેન્ડમ સબમિટ કર્યા છે પરંતુ કોઈ ફાયદો થયો નથી. બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ અગાઉ રાજ્યસભામાં ઝીરો અવર દરમિયાન ઓનલાઈન ગેમિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારને કાયદા હેઠળ ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝનું નિયમન કરવાની માંગ કરી હતી.