ચેન્નઈઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. કોરોનાને વકરતો અટકાવવા અનેક રાજ્યોએ લોકડાઉન (Lockdown) લગાવ્યું છે, તેમ છતાં અમુક રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. તમિલનાડુએ પણ લોકડાઉન કર્યુ છે. થોડા દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારાં એમ કે સ્ટાલિને (MK Stalin) મોટી જાહેરાત કરી છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન જીવ ગુમાવનારા 43 ફ્રન્ટલાઇન વર્ક્સ અને સરકારી ડોક્ટરોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.આ ઉપરાંત એપ્રિલ, મે અને જુન મહિના માટે ફ્રન્ટલાઇન સ્ટાફને ઈન્સેન્ટિવની પણ જાહેરાત કરી છે.  જે મુજબ ડોક્ટર્સને 30 હજાર રૂપિયા, નર્સોને 20 હજાર રૂપિયા અને અન્ય વર્કરોને 15 હજાર રૂપિયા ઈન્સેન્ટિવ અપાશે. આ ઉપરાંત પીજી સ્ટુડન્ટ્સ અને ટ્રેઈની ડોક્ટર્સને 20 હજાર રૂપિયા આપવામાં આવશે.


સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, તમિલનાડુમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,62,181 છે. જ્યારે 12,60,150 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં કોરોનાથી અત્યાર સુધીમાં 16,178 લોકોના મોત થયા છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  બે કરોડ 33 લાખ 40 હજાર 938

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642

  • કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099

  • કુલ મોત - 2 લાખ 54 હજાર 197


 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ


ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,75,83,991 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 મે ના રોજ 19,83,804 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.


એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત


સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.