ચેન્નઈઃ દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે,  અનેક રાજ્યોએ નિયંત્રણો હળવા કર્યા છે અને પહેલા કરતાં વધારે છૂટછાટ આપી છે. આ દરમિયાન દેશના મોટા રાજ્ય તમિલનાડુમાં એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવવામાં આવી શકે છે. મેડિકલ એક્સપર્ટ કમિટીએ જે જિલ્લામાંથી 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ હોય ત્યાં અનલોક કરવાની ભલામણ કરી છે, બાકીની જગ્યાએ હાલ જે મુજબના નિયંત્રણો છે તે જાળવી રાખવાની સૂચન કર્યુ છે.


તમિલનાડુમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા હજુ વધારે છે, આ ઉપરાંત મૃત્યુઆંક પણ કાબુમાં નથી આવ્યો. જેને લઈ રાજ્ય સરકાર વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 8100 લોકો સંક્રમિત થયા હતા અને 180 લોકોના મોત થયા હતા. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે તમિલનાડુમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 78,780 છે. જ્યારે 23,04,885 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તમિલનાડુમાં 31,015 લોકોના કોરોનાથી મોત થયા છે. સ્ટાલિન સરકારે ગત સપર્તાહે રાજ્યમાં 21 જૂન સુધી લોકડાઉન વધારવાનો ફેંસલો કર્યો હતો. જોકે પ્રતિબંધો હળવા કર્યા હતા અને રાજ્યના 27 જિલ્લામાં સરકાર સંચાલિત લીકર શોપ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી હતી.


દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 13માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત છઠ્ઠા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 58419 નવા કોરોનાના કેસ આવ્યા અને 1576 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 87,619 લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં 81 દિવસ બાદ 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે.


દેશમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 81 હજાર 965

  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 87 લાખ 66 હજાર 009

  • કુલ એક્ટિવ કેસ - 7 લાખ 29 હજાર 243  

  • કુલ મોત - 3 લાખ 86 હજાર 713


દેશમાં સતત 38માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 19 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 66 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.   જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.


કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યામાં વિશ્વમાં બીજા ક્રમે


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.27 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.