તમિલનાડુમાં CM જયલલિતાનો ફોટો મૂકીને કરવામાં આવી કેબિનેટ બેઠક, પનીરસેલ્વમે કરી અધ્યક્ષતા
abpasmita.in | 19 Oct 2016 04:44 PM (IST)
ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા બીમાર હોવાના કારણે તેમની ગેરહાજરીમાં બુધવારે કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા તેમના કાર્યવાહક મુખ્યમંત્રી અને નાંણા મંત્રી ઓ. પનીરસેલ્વમે કરી હતી. જાણકારી અનુસાર, જયલલિતા બીમાર થયા પછી ચેન્નાઈમાં આજે પહેલી વખત કેબિનેટની બેઠક મળી હતી. ઈતિહાસમાં પહેલી વખત એવું જોવા મળ્યું હતું કે સીએમ જયલલિતાની તસ્વીર મૂકીને કેબિનેટની બેઠક થઈ હતી. બેઠક દરમિયાન તમિલનાડુના મંત્રીઓની ટેબલની વચ્ચે જયલલિતાની તસ્વીર રાખવામાં આવી હતી અને ત્યારબાદ બેઠકની કાર્યવાહી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારથી જયલલિતા હોસ્પિટલમાં દાખલ છે ત્યારથી લઈને આજ દિવસ સુધી કેબિનેટની કોઈ બેઠક મળી નથી, જેના લીધે ઘણાં રાજનૈતિક નિર્ણયોમાં મોડું થઈ રહ્યું છે. જેમાં કાવેરીના જળવિવાદ મુદ્દાનો સમાવેશ થાય છે. બેઠકના મુખ્ય એંજડામાં પાડોશી રાજ્ય કર્ણાટકમાં ચાલી રહેલા કાવેરી વિવાદ પર ચર્ચા ચાલી રહી હતી. કારણ કે આ વિવાદ પર વિપક્ષીઓ સતત સર્વદળીય બેઠક બોલાવવાની માંગ કરી રહ્યા હતા. વિપક્ષે મંગળવારે ખેડૂતોના રેલ રોકો અભિયાનમાં હાજરી આપી હતી. અને માંગ કરી હતી કે, કેંદ્ર સરકાર કાવેરી પ્રબંધન બોર્ડની રચના કરે, જેનો વિરોધ કર્ણાટક કરતું આવી રહ્યું છે.