નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે 11 વાગ્યે શિક્ષક દિવસ પર પ્રથમ વખત 47 શિક્ષકોને વર્ચુઅલ માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર આપશે. 45 સામાન્ય જ્યારે 2 સ્પેશ્યલ કેટેગરીના શિક્ષકોને પુરસ્કાર આપવામાં આવશે. આ તકે કેંદ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશક પણ હાજર રહેશે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા દેશભરના શિક્ષકોએ સમારોહ ડિજિટલ માધ્યમથી કરવાનો આગ્રહ કર્યો હતો.


5 સપ્ટેમ્બરની તારીખ ભારત માટે એક ખાસ મહત્વ છે. દેશના બીજી રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે અને તેમના સન્માનમાં આ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર 1888ના તમિલનાડુમાં જન્મેલા ડૉ રાધાકૃષ્ણન દેશના બીજા રાષ્ટ્રપતિ હતા અને ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિદ્, મહાન દાર્શનિક અને એક આસ્થાવાન હિંદુ વિચારક તરીકે ઓળખવામાં આવે છે.

સમગ્ર દેશને પોતાની વિદ્તાથી અભિભૂત કરનારા ડૉ રાધાકૃષ્ણને ભારત સરકારે સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપ્યો હતો. કાર્યક્રમનું પ્રસારણ દૂરદર્શન પર થશે, સાથે જ શિક્ષામંત્રાલયની વેબસાઈટ પર પણ વેબકાસ્ટ કરવામાં આવશે.