Mumbai News: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવા માટે મુંબઈ એરપોર્ટથી મરીન ડ્રાઈવ જતા માર્ગ પર બાંદ્રા વર્લી સી લિન્ક પહેલા ચાહકોની ભીડ એકઠી થઈ  છે. આ દરમિયાન મરીન ડ્રાઈવ પર એકઠા થયેલા ક્રિકેટ ચાહકોએ એમ્બ્યુલન્સને ભીડમાંથી પસાર થવા માટે રસ્તો આપ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  






વિજય સરઘસ દરમિયાન ભારતીય ટીમના સભ્યો આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ રસ્તાઓની બંને બાજુએ મોટી સંખ્યામાં હાજર રહેલા ચાહકો પણ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે અને તે ક્ષણને તેમના ફોનમાં કેદ કરી રહ્યાં છે. આ વચ્ચે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજ ચાહકોને ખુશ કરી રહ્યા છે.


મુંબઈના મરીન ડ્રાઈવમાં ચાહકોની ભારે ભીડ વચ્ચે મુંબઈ પોલીસે લોકોને મરીન ડ્રાઈવ પર ન આવવાની અપીલ કરી છે. હકીકતમાં, મરીન ડ્રાઇવ અને વાનખેડેમાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા છે. જેની તસવીરો અને વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યા છે. 


રોડની બાજુમાં લાઈનમાં ગાડીઓ લાગેલી છે અને લોકો ટીમ ઈન્ડિયાની ઝલક મેળવવા માટે રસ્તાની બંને બાજુ આતુરતાથી ઉભા છે. મહિલાઓ પોતાના બાળકોને સાથે લઈને આવી છે. ઘણા લોકો તેમની ઓફિસ ડ્યુટી પૂરી કરીને હવે ટીમ ઈન્ડિયાની રાહ જોઈને રોડ કિનારે ઉભા છે. મુંબઈ પોલીસના કર્મચારીઓ અને ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓ પણ ટ્રાફિક વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે તૈયાર છે.


તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમના મુંબઈના ચાર ખેલાડીઓનું શુક્રવારે મહારાષ્ટ્ર વિધાન ભવન સંકુલમાં સન્માન કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ગુરુવારે ગૃહમાં આ માહિતી આપી હતી.


કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ ભારતની T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. આ તમામ મુંબઈના રહેવાસી છે. 29 જૂનના રોજ, ભારતીય ક્રિકેટ ટીમે ICC ટ્રોફી માટે 11 વર્ષની રાહનો અંત લાવી દેશ માટે બીજું T20 વર્લ્ડ ટાઇટલ જીત્યું.


ભારતે છેલ્લે 2013માં ICC ખિતાબ જીત્યો હતો જ્યારે તેણે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે ગુરુવારે વિધાનસભામાં મુંબઈના ખેલાડીઓને વિધાનસભામાં સન્માનિત કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.