તેલંગણા: હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટર (વેટનરી ડૉક્ટર) સાથે થયેલા ગેંગરેપ અને હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપીઓને કોર્ટે 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. ચારેય યુવકો પર આરોપ છે કે ગેંગરેપને અંજામ આપ્યા બાદ યુવતીને આગને હવાલે કરી દીધી હતી.


સાઇબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનરે કહ્યું કે, આખી ઘટનાને કાવતરા હેઠળ અંજામ અપાયો છે. આરોપીઓએ એક મહિલાને ટોલ પ્લાઝા પાસે સ્કૂટી પાર્ક કરતા જોઇ હતી. બાદમાં તેઓએ ગેંગરેપની યોજના બનાવી હતી. મહિલા ડોક્ટર કેબ લઇને ગચિબોવલી ગઇ અને રાત્રે 9 વાગ્યે પોતાની સ્કૂટી લેવા પાછી ફરી હતી. તેણે જોયું કે તેની સ્કૂટીમાં પંકચર છે. દરમિયાન મોહમ્મદ આરિફ તેની મદદના બહાને ત્યાં આવ્યો હતો.


બાદમાં ચારેય આરોપીઓ મહિલા ડોક્ટરને નજીકમાં આવેલા એક ખાલી પ્લોટમાં લઇ ગયા અને તેમના પર ગેંગરેપ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ કૃત્યને ટ્રક ચાલક મોહમ્મદ આરિફ, ટ્રક ચાલક ચિંતાકુંતા ચેન્નાકેશાવુલુ, ક્લીનર જોલુ શિવા અને જોલુ નવીન દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આ ઘટનાને લઇને રસ્તાથી લઇને સોશિયલ મીડિયા પર પીડિતા ડોક્ટરના હત્યારાઓને કડકમાં સજા અપાવવાની માંગ ઉઠી છે. દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે.