હૈદરાબાદ: હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યા બાદ 24 કલાકમાં જ વધુ એક મહિલાનો અડધા બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ડૉક્ટર પ્રિયંકા રેડ્ડીના ગેંગરેપ મામલો સાઈબરાબાદ પોલીસે ઉકેલ્યો ત્યાં જ હૈદરાબાદના શમસાબાદ વિસ્તારમાં જ વધુ એક ઘટના સામે આવી છે. આશરે 35 વર્ષની એક મહિલાનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

મહિલાની ઓળખ હજુ નથી થઈ. અજાણી મહિલાની સંદિગ્ધ હત્યા એ વિસ્તારમાં થઈ જ્યાં ડૉક્ટર પ્રિયંકાને 27 નવેમ્બરે ચાર લોકોએ બળાત્કાર કરી બાદમાં તેની હત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું કે નજીકથી પસાર થતા લોકોએ બળેલી હાલતમાં મૃતદેહ જોયો હતો અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હાલ સ્પષ્ટ નથી કે મહિલાએ જાતે આગ લગાવી આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી છે.