કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા આતંકી ઘટના બાદથી તણાવની સ્થિતિ બની છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્ધારા આ હુમલાની જવાબદારી લીધા બાદથી વડાપ્રધાન મોદી સહિત આખો દેશ ગુસ્સામાં છે. શનિવારે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનનો પુરો હિસાબ બરોબર કરવાની ચેતવણી આપી હતી. તો બીજી તરફ આગામી સપ્તાહે કલમ 35-એ પર સંભવિત સુનાવણી અગાઉ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સંવેદનશીલ બની ગઇ છે.
એક રિપોર્ટ અનુસાર આગામી સપ્તાહમાં બંધારણીય કલમ 35-એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ શકે છે અને તે અગાઉ સરકારે અલગાવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને 150થી વધુ લોકોની અટકાયત કરાઇ હતી. શનિવારે કાશ્મીર ઘાટીમાં તણાવભર્યો માહોલ રહ્યો હતો. શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સરકારે ઘાટી વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. અર્ધસૈનિક દળની 100 વધુ કંપનીઓ એટલે કે 10000 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે પણ સ્થાનિક વહીવટીતંત્રને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા હતા. ખાવા પીવાની ચીજો અને દવાનો સ્ટોક રાખવાનો પણ આદેશ અપાયો છે.