માહિતી પ્રમાણે, જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે કારમાં એકજ પરિવારના 11 લોકો સવાર હતા, તેઓ સંભલથી દિલ્હી જઇ રહ્યાં હતા, પણ ભારે ધૂમ્મસના કારણે કાર દનકૂર વિસ્તારમાં એક નહેરમાં ઘૂસી ગઇ હતી. દૂર્ઘટના બાદ 11 લોકોને હૉસ્પીટલ લઇ જવાયા હતા, જ્યાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમની હાલ સારવાર ચાલી રહી છે. આ દૂર્ઘટના નૉઇડામાં ભારે ધૂમ્મસના કારણે ઘટી હોવાનું બહાર આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર ભારત સહિત દિલ્હી સહિતના રાજ્યોમાં હાડ ગાળતી ઠંડી પડી રહી છે, કેટલાક વિસ્તારોમાં ધૂમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી ગઇ છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડથી લઇને પૂર્વોત્તરના રાજ્યો સુધીના પહાડો બરફની ચાદરોથી સફેદ થઇ ગયા છે. પહાડો પર થઇ રહેલી બરફવર્ષાની અસર મેદાન અને રણપ્રદેશમાં દેખાઇ રહી છે.
રાજસ્થાનના ચાર જિલ્લામાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયુ છે. પંજાબ હરિયાણામાં ઠંડીથી પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ છે.
સવારથી જ રાજધાની દિલ્હીમાં સફદરગંજમાં ન્યૂનતમ તાપમાન 2.8 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ છે. દિલ્હીમાં આજે પણ ઠંડીથી રેડ એલર્ટ છે, એટલા માટે લોકોને બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવ્યુ છે. દિલ્હીમાં ભારે ધૂમ્મસની સ્થિતિ બની ગઇ છે. કેટલાય વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી ગઇ છે. ધૂમ્મસ અને ઠંડીના કારણે રેલવે અને ફ્લાઇટ પર પણ અસર પહોંચી છે.