Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના મિરહમા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષા દળોએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કર્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામના મિરહમા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી જેના પગલે સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જેનો વળતો જવાબ આપતા સુરક્ષા દળોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યો ગયેલો આતંકવાદી પાકિસ્તાની નાગરિક હતો અને જૈશ-એ-મોહમ્મદનો સભ્ય હતો. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો.
વડાપ્રધાન મોદીની જમ્મુ કાશ્મીરની મુલાકાતના એક દિવસ અગાઉ એન્કાઉન્ટર થયું છે. PMની મુલાકાતને લઈને શનિવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા કડક કરવામાં આવી હતી. શુક્રવારે અહીં જૈશ-એ-મોહમ્મદના બે આત્મઘાતી હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.
જમ્મુની બહાર સુંજવાન મિલિટરી કેમ્પ પાસે એન્કાઉન્ટર બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એન્કાઉન્ટર દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો સાથે સજ્જ બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેના કારણે મોટો હુમલો ટળી ગયો હતો. આ એન્કાઉન્ટરમાં એક CISF અધિકારી પણ શહીદ થયો હતો અને બે પોલીસકર્મીઓ સહિત નવ અન્ય ઘાયલ થયા હતા.