રાષ્ટ્રપતિએ આ મોટા આતંકી હુમલાની જાણકારી ટ્વીટર પર આપી હતી. હુમલામાં મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે. બુર્કિના ફાસોની સેનાએ કહ્યું અરબિંદા શહેરમાં સવાર સવારમાં થયેલા આતંકી હુમલામાં 7 જવાન શહીદ થયા છે. હુમલામાં કેટલાય નાગરિકો અને 80 આતંકીઓ માર્યા ગયાની માહિતી આપવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં બુર્કિના ફાસોમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે.
સોઉમ પ્રાંતમાં અરબિંદામાં એક સૈન્ય કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. બુર્કિના ફાસોના પાડોશી દેશ માલી અને નાઇઝર છે, જ્યાં અવારનવાર આતંકી હુમલા થતા રહે છે. આ આખા વિસ્તારમાં 2015થી આતંકી ઘટનાઓ સતત વધી રહી છે.
રાષ્ટ્રપતિ રોચ માર્કે કહ્યું કે જવાનોની સાહસી કાર્યવાહીમાં 80 આતંકી માર્યા ગયા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે હુમલામાં 35 નાગરિકોના મોત થઇ ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. બાદમાં બુર્કિના ફાસોના સંચાર મંત્રી રેમિસ ડેનજિનોઉએ જણાવ્યુ કે, જે 35 લોકોના મોત થયા છે તેમાં 31 મહિલાઓ છે. રાષ્ટ્રપતિએ દેશમાં 48 કલાક માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.