કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આવા અનેક પ્રયાસો થયા છે. હવે આવી જ બીજી ઘટના નોંધાઇ છે. જેમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જોકે તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.
આતંકવાદીઓએ આ હુમલો મધ્ય કાશ્મીરના રાઈનવારી વિસ્તારમાં કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, અચાનક આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓ પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે વધારે નુકસાન થયું નથી, પરંતુ બે પોલીસકર્મીઓને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ કરી દીધી છે. આતંકીઓને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કોન્સ્ટેબલ શહીદ થયો હતો
આ પહેલા 22 માર્ચ મંગળવારના રોજ શ્રીનગરના સૌરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થયો હતો જ્યારે એક આતંકી ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે કારમાં ત્રણ આતંકીઓ ફરતા હતા. પોલીસ ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો અને અથડામણમાં એક આતંકવાદીને ઇજા પહોંચી હતી જ્યારે એક કોન્સ્ટેબલ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેમનું મૃત્યુ થયું.