શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ સેનાના જવાનને મોતને ઘાટ ઉતારી દીધો છે. સાઉથ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં ઇદની રજાઓ લઇને ઘરે ઇદ મનાવવા આવેલા જવાનને આતંકીઓએ ગોળીઓથી છીની નાંખ્યો હતો. પ્રાદેશિક સેનાના એક જવાનને સંદિગ્ધ આતંકવાદીઓએ ગુરુવારે ગોળી મારીને હત્યા કરી હોવાના સમાચાર છે. પોલીસે આ વિશે વાત કરતાં જણાવ્યું કે, અજાણ્યો બંદૂકધારી ગુરુવારે સાંજે અનંતનાગ જિલ્લાના સદુરા ગામમાં મંજૂર અહેમદ બેગના ઘરે આવ્યો અને તેના પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયો હતો.

ગંભીર રીતે ગવાયેલા જવાન બેગને જિલ્લા હૉસ્પીટલમાં લાવવામાં આવ્યો, પણ પહોંચતા પહેલા જ તે શહીદ થઇ ગયો હતો. જવાન બેગ શોપિયા જિલ્લામાં તૈનાત હતો અને તે રાષ્ટ્રીય રાઇફલ્સની 34માં બટાલિયન સાથે જોડાયેલો હતો.


સેનાએ સ્ટેટમેન્ટ આપીને જણાવ્યું કે, જવાન મંજૂર અહેમદ 12 દિવસની રજાઓ લઇને ઇદ મનાવવા તે પોતાના ઘરે ગયો હતો, અને હુમલો થયો ત્યારે તેની પાસે કોઇ હથિયાર ન હતુ. હાલ હુમલાખોરને પડકવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.