Presidential Elections 2022: રાષ્ટ્રપતિની ચૂંટણી 2022ને લઈને રાજકીય પક્ષો વચ્ચેનો હોબાળો તેજ બન્યો છે. ચૂંટણીને લઈને વિપક્ષની બેઠક બાદ હવે ભાજપ (BJP)માં પણ મંથન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે આજે ભાજપની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકનું આયોજન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)ના ઘરે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગજેન્દ્ર શેખાવત, અશ્વિની વૈષ્ણવ, ઓમ પાઠક, વિનોદ તાવડે, સંબિત પાત્રા, અર્જુન રામ મેઘવાલ, જી કિશન રેડ્ડી અને અન્ય લોકો હાજર હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી.
ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની શક્યતા
પ્રાપ્ત માહિતી અનુસાર, જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, આમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.
નડ્ડા અને રાજનાથસિંહે અનેક વિપક્ષી નેતાઓ સાથે વાત કરી હતી
રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે જે પી નડ્ડા અને રાજનાથસિંહ (Rajnath Singh) બંને નેતાઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ સાથે પણ વાત કરી હતી. તો સામે તમામ પક્ષો ભાજપ તેના પત્તાં ખોલે તેની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત, બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ જેવા વિરોધ પક્ષો ભાજપના ઉમેદવારને મત આપે તેવી અપેક્ષા છે.
આ નામોની ચર્ચા થઈ રહી છે
રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે હજુ સુધી તેના પત્તાં ખોલ્યા નથી. એવી ચર્ચા છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA રામનાથ કોવિંદ (Ramnath Kovind)ને રિપીટ કરી શકે છે. આ સાથે કર્ણાટકના રાજ્યપાલ અને દલિત નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત (Thavarchand Gehlot), પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન(Sumitra Mahajan), તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન (Tamilisai Soundarajan)ના નામ પર પણ અટકળો લગાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન થવાનું છે જ્યારે મત ગણતરીની તારીખ 21મી જુલાઈ છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.