જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં શનિવાર મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ભારે ફાયરિંગમાં બે સીઆરપીએફ અધિકારી અને જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાન શહીદ થવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે ચાર સ્થાનિક રહેવાસી ઘાયલ થયા છે.




જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ, બાબાગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ કરી દીધું હતું. એન્કાઉન્ટરમાં 9 જવાન ઘાયલ થયા હતા. સુત્રો પ્રમાણે તેમાંથી 4 જવાનો શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. એન્કાઉન્ટરના સ્થળે સ્થાનિક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન ચાર નાગરિક પણ ઘાયલ થયા છે.



આ પહેલા સુરક્ષાદળોએ શુક્રવાર સવારે કુપવાડાના હંદવાડામાં બે આતંકીઓને ઢાળી દીધા હતા. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સેના તરફથી એલઓસી પર પુંછ, કૃષ્ણાઘાટી, નૌશેરા સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં 60 વખત પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.