બંગાળની ખાડીમાં સર્જાયેલ તોફાન અસાની વાવાઝોડાએ રફ્તાર પકડી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ અસાની વાવાઝોડુ કાલે બંગાળ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં ટકરાઈ તેવી શક્યતા છે. અસાની વાવાઝોડાના એલર્ટને લઈને દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
અસાની વાવાઝોડુ વિશાખાપટ્ટનમથી 940 કિલોમીટર અને ઓડિશામાં પુરીથી એક હજાર કિલોમીટર દુર છે. અસાની વાવાઝોડુ આવતીકાલે પશ્ચિમ બંગાળ પહોંચી શકે છે. જેને જોતા રાજ્યમાં હાઈએલર્ટ પર છે. બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં તમામ સુરક્ષાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
NDRF, SDRF, કોસ્ટલ ગાર્ડ અને નેવી પણ એલર્ટ પર છે.અસાની વાવાઝોડાને લઈને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તા સહિત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દસ મેથી આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અસાની વાવાઝોડાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મિદનાપુરમાં થનારી બેઠકને રદ કરી દીધી છે.
ચક્રવાતી તોફાન અસાનીની અસર ઓડિશા ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, આંધ્રપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં જોવા મળી શકે છે.
હવામાન વિભાગે આ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે. અસાની આ વર્ષનું પહેલું ચક્રવાતી તોફાન છે. અગાઉ 2021માં 3 ચક્રવાતી તોફાનો આવ્યા હતા. ચક્રવાત જાવદ ડિસેમ્બર 2021માં આવ્યું હતું. તે જ સમયે, ચક્રવાત ગુલાબ સપ્ટેમ્બર 2021માં ત્રાટક્યો હતો. જ્યારે મે 2021મા ચક્રવાત યાસે બંગાળ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં વિનાશ સર્જ્યો હતો.