પંજાબ ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ સતત પાર્ટી વિરુદ્ધ જતા જોવા મળી રહ્યા છે. આ અંગે પાર્ટીના નેતાઓ વતી તેમનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર પક્ષ બદલી શકે છે. દરમિયાન, હવે સિદ્ધુ 9મી મે, સોમવાર એટલે કે આવતીકાલે પંજાબના સીએમ ભગવંત માનને મળવા જઈ રહ્યા છે. સિદ્ધુ પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને આ માહિતી આપી છે.


આર્થિક સુધારાને લઈ બેઠકઃ
જોકે સત્તાવાર રીતે સિદ્ધુ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે, ભગવંત માન સાથેની આ મુલાકાત પંજાબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા અંગે છે. તેમણે કહ્યું કે, પંજાબનો વિકાસ સામૂહિક પ્રયાસોથી જ શક્ય છે. જે દિવસે સિદ્ધુ પંજાબના મુખ્યમંત્રીને મળવાના છે તે દિવસે એટલે કે, આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ છે. આ બેઠકમાં ચિંતન શિબિરનો એજન્ડા નક્કી કરવામાં આવશે.






સિદ્ધુ સામે કાર્યવાહી કરી શકે છે કોંગ્રેસઃ
ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના પંજાબના પ્રભારી હરીશ ચૌધરીએ સિદ્ધુ સામે અનુશાસનાત્મક કાર્યવાહીની માંગ કરી છે. થોડા દિવસ પહેલાં સામે આવેલા 23 એપ્રિલના એક પત્રમાં હરીશ ચૌધરીએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ તરફથી સિદ્ધુની હાલની ગતિવિધિઓ વિશે એક વિસ્તૃત નોંધ મોકલી હતી. ચૌધરીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સિદ્ધુએ ગત કોંગ્રેસ સરકારની સતત આલોચના કરી હતી. સિદ્ધુએ આવું નહોતું કરવાનું એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.


સિદ્ધુએ કર્યો આ ઈશારોઃ
નવજોત સિંહ સિદ્ધુ પણ આ મામલે મૌન તોડી ચુક્યા છે. સિદ્ધુએ ઈશારો કરતાં કહ્યું કે તેઓ સમય આવ્યે બધી વાતોનો જવાબ આપશે. સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, મારી વિરોધમાં થતી વાતો હું હંમેશાં શાંતિથી સાંભળું છું. જવાબ આપવાનો હક મેં સમયને આપેલો છે. જો કે સિદ્ધુએ પોતાના ટ્વીટમાં કરેલી વાતનો કોઈ સંદર્ભ નહોતો આપ્યો પરંતુ આ ટ્વીટને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને હરીશ ચૌધરીએ મોકલેલી ચિઠ્ઠી ઉપર પ્રતિક્રિયાની રીતે જોવામાં આવી રહી છે.