વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનની રાજધાની કિવમાં ગોળીબારમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંઘની સારવારનો ખર્ચ સરકારે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.  કિવની હોસ્પિટલમાં હરજોત સિંઘની સારવાર ચાલી રહી છે. હરજોત સિંઘ 27 ફેબ્રુઆરીએ કિવથી જવાના પ્રયાસમાં પશ્ચિમ યુક્રેનિયન શહેર લિવ જવા માટે બે માણસો સાથે કેબમાં સવાર થયો હતો. આ દરમિયાન હરજોતને ચાર ગોળી વાગી  હતી જેમાં એક ગોળી છાતીમાં વાગી હતી. હરજોત સિંઘ  દિલ્હીનો રહેવાસી છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું હતું "અમે આ બાબતથી વાકેફ છીએ. અમારું દૂતાવાસ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે. મને લાગે છે કે તે અત્યારે કિવની હોસ્પિટલમાં છે. અમે તેમની તબીબી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."


તેમણે એ પણ માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાના ત્રણ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ શુક્રવારે યુક્રેન માટે રાહત સામગ્રી લઈ રવાના થયા હતા. પ્રથમ વિમાન છ ટન કાર્ગો સાથે રોમાનિયા માટે રવાના થયું હતું, જ્યારે બીજું વિમાન નવ ટન સાથે સ્લોવાકિયા માટે રવાના થયું હતું. ત્રીજું વિમાન આઠ ટન સામગ્રી લઈને પોલેન્ડ ગયું છે.


યુક્રેનમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત 
1 માર્ચે રશિયાએ યુક્રેનના ખાર્કિવમાં હવાઈ હુમલો કર્યો. જેમાં કર્ણાટકના રહેવાસી નવીન શેખરપ્પા નામના વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદેશ મંત્રાલયે આ અંગે કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીના મૃતદેહને ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2 માર્ચે પણ યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી.



ભારતે  વાયુસેનાના  વિમાનો દ્વારા મોકલી રાહત સામગ્રી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ભારતે યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા સતત યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. જેના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલમાં યુક્રેનની મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતે તેની મદદ માટે રાહત સામગ્રી મોકલવાનો નિર્ણય લીધો છે.