લખનઉઃ ઉત્તરપ્રદેશ એસટીએફએ કોમેડિયન કપિલ શર્માના શોના સ્ક્રિપ્ટ રાઇટર રામાભિષેક સિંહની મુંબઇમાંથી ધરપકડ કરી છે. તેના પર આઝમગઢમાં 2 લોકોની હત્યાનો આરોપ છે. હત્યા કર્યા બાદ સાત વર્ષથી તે ફરાર હતો અને મુંબઇમાં નામ બદલીને રહેતો હતો. રામાભિષેક પર ઉત્તરપ્રદેશમાં તેના પર 30 હજારનું ઇનામ રાખવામાં આવ્યુ હતું. પોલીસ ઘણા દિવસોથી તેને શોધી રહી હતી. રામાભિષેક કલર્સ પર આવનારી નાઇટ્સ વિધ કપિલ અને હવે સોની ટીવી પર આવનારા ધ કપિલ શર્મા શોની સ્ક્રિપ્ટ લખતો હતો.
આઝમગઢના મઉપરાસિનમાં રહેતો રામાભિષેકના દાદા વિભૂતિ નારાયણ સિંહ ગામમાં સ્કૂલના મેનેજર હતા. તેમનો પૂર્વ પ્રધાન ભૂરેસિંહ સાથે જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. 2009માં રામાભિષેક, તેના પિતા અને મિત્ર મનોજ સિંહે પોતાના અન્ય સાથીઓ સાથે ભૂરે સિંહ સહિત અન્ય પર હુમલો કર્યો હતો. હુમલામાં ભૂરેસિંહ બચી ગયો હતો પરંતુ રામનરેશ શર્મા અને રામેશ્વર રામનું મોત થયુ હતું. બાદમાં રામાસિંહ મુંબઇ આવી રોહિત નામ રાખી વર્સાવામાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા લાગ્યો. એસઆઇ વિનય દિવાકરની ટીમે 3,ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી.