નવી દિલ્લીઃ પાકિસ્તાનમાં સાર્ક સંમેલનમાં ભાગ લીધા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે રાજ્યસભામાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, સાર્ક દેશોના ગૃહમંત્રીઓની ગઇકાલે ઇસ્લામાબાદમાં થયેલી બેઠકમાં મે ભારત તરફથી કહ્યું કે, સારા અને ખરાબ આતંકવાદ વચ્ચે ભેદ કરવામાં ન આવે. તેમણે કહ્યુ કે, આતંકવાદને પ્રોત્સાહન આપતા અને સમર્થન દેનારી સરકારો વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવવા જોઇએ.
પાકિસ્તાનમાં લંચ નહીં કરવા પર રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન તરફથી લંચનું આયોજન કરવામાં આવ્યુ હતું પણ લંચમાં હોસ્ટ જ હાજર નહોતા. તેઓ ગાયબ થઇ ગયા હતા. હું મારા દેશનું સન્માન લઇને ગયો હતો, જેથી હું પણ લંચ લીધા વિના રવાના થઇ ગયો.હું કાંઇ ખાવા માટે પાકિસ્તાન નહોતો ગયો.
ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને લઇને રાજ્યસભામાં કહ્યું કે, આ પાડોશી છે જે માનતા નથી. મેં સાર્ક સંમેલનમાં કહ્યું કે, આતંકવાદી શહીદ હોઇ શકે નહીં. એક દેશનો આતંકી બીજા દેશ માટે શહીદ હોઇ શકે નહીં. આતંકવાદને પ્રોત્સાહન આપનારા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરો. આતંકવાદીઓના પ્રત્યાર્પણ માટે કડક નિયમો બનાવવામાં પર ભાર મુક્યો હતો. આપણે મિત્રો બદલી શકીએ છીએ, પાડોશી નહીં.