નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને વધુ એક ફટકો મારીને રેલવેની મુસાફરી મોંઘી કરશે. મોદી સરકાર રેલ્વે સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલશે તેથી રેલ્વેની મુસાફરી મોંઘી થશે. રેલવે બોર્ડ ચેરમેન અને સીઈઓ વિનોદકુમાર યાદવે માહિતી આપી કે. એરપોર્ટ પર વસૂલાતા યુઝર ચાર્જની જેમ હવે દેશમાં મોટાં રેલવે સ્ટેશનો પર પણ યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. રેલવેએ જાહેરાત કરી હતી કે, દેશનાં કુલ રેલવે સ્ટેશનના 10થી 15 ટકા સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલાશે. દેશના કુલ 1050 સ્ટેશનો પર યાત્રીઓનું પ્રમાણ વધારવા માટે સ્ટેશનની ક્ષમતા વધારાશે અને તેમનું પુન:નિર્માણ કરાશે. આ સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. દેશમાં ભારતીય રેલવેનાં આશરે 7000 રેલવે સ્ટેશન છે.


સીઆરબી વી.કે.યાદવે જણાવ્યું હતું કે યુઝર ચાર્જ માટે રેલવે ટૂંકમાં જ નોટિફિકેશન જાહેર કરશે. યુઝર ચાર્જ કેટલો હશે તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નથી પણ તેમણે કહ્યું હતું કે, બહુ નાની રકમ યુઝર ચાર્જ તરીકે વસૂલાશે. રેલવેએ માહિતી આપી કે મોટાં રેલવે સ્ટેશનો અને ભીડવાળાં રેલવે સ્ટેશનો પર જ યુઝર ચાર્જ વસૂલાશે. આ યુઝર ચાર્જ સીધો યાત્રીઓની ટિકિટના દરમાં ઉમેરાઈ જશે તેથી ટિકિટ મોંઘી થશે.