હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 3 જૂનનાં રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે.  જોકે ખાનગી હવામાન સંસ્થા સ્કાઈ મેટ દ્વારા દાવો કરાયો છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. દેશમાં 31 મેનાં રોજ ચોમાસાના આગમનની આગાહી કરનાર હવામાન વિભાગે હવે તારીખોમાં ફેરફાર કર્યો છે. હવામાન વિભાગ અનુસાર, હવે 3 જૂને કેરળના તટ પર ચોમાસુ પહોંચશે. 


દર વર્ષે હવામાન વિભાગ અને સ્કાઈ મેટના દાવાઓમાં આ પ્રકારનો વિરોધાભાસ જોવા મળતો રહ્યો છે. 21 મેનાં આંદોમાન-નિકોબાર પર ચોમાસાના આગમન બાદ તે સતત ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તે 24 મેનાં રોજ શ્રીલંકાના દક્ષિણ તટ પર પહોંચ્યું હતું. 27 મેનાં રોજ ચોમાસું માલદીવને પાર કરી ચૂક્યું હતું અને કેરળના તટીય વિસ્તારથી 200 કિ.મી. દૂર હતું.


ઉલ્લેખનીય છે કે ચોમાસુ 21 મે સુધીમાં અંદમાન-નિકોબાર દ્વીપ સમુહ સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના વરિષ્ઠ વિજ્ઞાનીઓએ અગાઉ જણાવ્યા મુજબ કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાની પધરામણી થઈ શકે છે. આ મુજબ એક સપ્તાહ પછી એટલે કે 5 જૂન સુધીમાં ચોમાસુ આગળ વધીને ગોવા સુધી પહોંચી શકે છે. ત્યારબાદ ધીમ ધીમે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ ઉત્તર તરફ આગળ વધતું જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


12-13 જૂન આસપાસ ચોમાસુ બિહાર પહોંચે તેવી સંભાવના છે. બિહારમાં સામાન્ય સ્થિતિમાં જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ પડતો હોય છે. આ વર્ષે સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જૂનમાં મધ્યમ જ્યારે જુલાઈમાં ભારે વરસાદ પડી શકે છે.


કેરળમાં બે દિવસ વહેલા ચોમાસુ આવી પહોંચ્યું હોવાનો દાવો સ્કાયમેટે કર્યો છે જેને પગલે આ વિસ્તારમાં પ્રી-મોનસુન છાંટા પણ પડ્યા હોવાનું જણાયું છે.


ચોમાસાના વિધિસર આગમન સુધી તાપમાનમાં ભારે વધારો  કે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. તાપમાનનો પારો ચોમાસાના આગમન સુધી ૩૮થી ૪૧ ડિગ્રી સુધી રહેવાનો અંદાજ મંડાયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કારણે થાય છે.