Congress Chintan Shivir : ઉદયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસની  નવ સંકલ્પ શિવિરમાં કેટલીક મહત્વપૂર્ણ દરખાસ્તો મૂકવામાં આવી છે. એબીપી ન્યૂઝને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ ચિંતન શિબિર દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ માટે તેમના બંધ દરવાજા ખોલવા માટે પાર્ટી નેતૃત્વ સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષે પોતે દર અઠવાડિયે એક દિવસે પાર્ટી કાર્યકર્તાઓને મળવું જોઈએ અને તેમની સાથે વાતચીત કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની અંદર ઘણા નેતાઓ અને કાર્યકરો વર્ષોથી પક્ષ પ્રમુખને મળી શકતા નથી અને તેમની વાત પણ સાંભળવામાં આવતી નથી તેવી ફરિયાદો કરી રહ્યા છે.


પક્ષના પદાધિકારીઓનું વાર્ષિક ઓડિટ થાય 
કેટલાક પ્રતિનિધિઓ દ્વારા એક મોટી અને મહત્વપૂર્ણ દરખાસ્ત પણ કરવામાં આવી છે કે મહાસચિવ, જિલ્લા પ્રમુખો અને સાંસદ-ધારાસભ્ય અને તમામ મોરચાના સંગઠનોથી લઈને તમામ કાર્યક્રમોનું વાર્ષિક ઓડિટ પણ કરવામાં આવે.


ફરિયાદ સેલની રચના અંગે પણ વાત થઈ 
ચિંતન શિબિર દરમિયાન એવી દરખાસ્ત પણ કરવામાં આવી છે કે કોંગ્રેસ અધ્યક્ષે એક ફરિયાદ સેલની પણ રચના કરવી જોઈએ, જે કોંગ્રેસ અધ્યક્ષની સાથે નેતાઓ અને કાર્યકરોની ફરિયાદોનો નિકાલ કરી શકે. એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે માત્ર સંગઠનના નેતાઓ અને કાર્યકરોના અલગ-અલગ વોટ્સએપ ગ્રુપ બનાવવા જોઈએ અને તેમાં તમામ મુદ્દાઓ પર પોતાના વીડિયો મેસેજ મોકલવા જોઈએ.


ભાજપ પર લગાવ્યો નફરત ફેલાવવાનો આરોપ
નોંધનીય છે કે હાલ ઉદયપુરમાં કોંગ્રેસનું ચિંતન શિવર ચાલી રહ્યું છે. આ ચિંતન શિબિર વિશે વાત કરતા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સંગઠનની સામે અભૂતપૂર્વ સ્થિતિ છે. તેમણે કહ્યું કે આપણે  સુધારા અને રણનીતિમાં પરિવર્તનની સખત જરૂર છે. અસાધારણ પરિસ્થિતિઓનો સામનો ફક્ત અસાધારણ રીતે કરી શકાય છે. આ દરમિયાન, લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો ઉઠાવતા, સોનિયા ગાંધીએ એક તરફ પીએમ મોદીના મૌન પર નિશાન સાધ્યું, તો બીજી તરફ ભાજપ પર દેશમાં નફરતનું વાતાવરણ બનાવવાનો આરોપ પણ લગાવ્યો.