મુંબઇઃ મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી એકનાથ ખડસેએ રાજીનામું આપ્યું છે. આજે એકનાથ ખડસે મુખ્યમંત્ર દેવેંદ્ર ફડણવીસને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. ખડસેનું નામ જમીન કૌભાંડમાં સંકળાયેલું છે. તેમજ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથેના કનેક્શને લઇને પણ તે વિવાદમાં ફસાયેલા છે. ખડસે અંગે બીજેપી અધ્યક્ષ અમિત શાહે રિપોર્ટ માગ્યો હતો જે તેમને મળી ગયો છે.  આ મામલે સીએમ દેવેંદ્ર ફડણવીસે પીએમ મોદી સાથે પણ વાત કરી હતી.


કેંદ્ર સરકાર બે વર્ષની ઉજવણીમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરી રહી હતી, પરંતું તેના બે દિવસ બાદ જ મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી એકનાથ ખડસેનું નામ જમીન કૌભાંડમાં બહાર આવ્યું હતું. આના પર એનડીએના સહયોગી પક્ષ શિવસેનાએ ખડસેનું નૈતિક્તાના આધારે રાજીનામાની માંગ કરી હતી.

મહારાષ્ટ્રના મહેસુલ મંત્રી એકનાથ ખડસે પર આરોપ છે કે, તેમણે પૂણેના ભોસરી એરિયાના મહારાષ્ટ્ર ઇંડ્સ્ટ્રિયલ કૉર્પોરેશનની 80 કરોડની જમીન 3.75 કરોડમાં ખરીદી હતી. ખડસેએ આ જમીન અબ્બાસ ઉકાની નામના વ્યક્તિ પાસેથી ખરીદી હતી. નિયમ મુજબ MIDC ની ફૈક્ટ્રિઓ માટે સોપાયેલી જમીનને બીજા વ્યક્તિને ના આપી શકાય.