નવી દિલ્હી: યુરોપીયન દેશ સ્લોવાકિયાએ વિશ્વમાં પહેલી ફ્લાઈંગ કારને મંજૂરી આપતાં ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં ફ્લાઇંગ કાર ઉડતી થાય એ સ્વપ્ન પૂરું કરવાની દિશામાં પહેલું કદમ ભરાયું છે. લાંબા સમયથી જોવાતું ફ્લાઈંગ કારનું સપનું આગામી વર્ષથી હકીકતમાં પરિણમશે.


યુરોપીયન દેશ સ્લોવાકિયાએ 200 જેટલા લેન્ડિંગ અને ટેકઓફ ટ્રાયલ પછી ફ્લાઇંગ કારને મંજૂરી આપી છે. આ ફ્યુચરિસ્ટિક એર કાર 8,000 ફૂટથી પણ વધુ ઊંચાઈએ ઉડી શકશે. તેની ઝડપ પ્રતિ કલાક 160 કિ.મી.ની હશે. હવે તે ટૂંક સમયમાં બજારમાં પણ મળતી થઈ જશે. હજુ સુધી ફ્લાઇંગ એર કારની કિંમત શું હશે તે નક્કી નથી કરાયું.


એર કાર ક્રાફ્ટ ડયુઅલ મોડ ધરાવતું હોવાના કારણે તે રસ્તા પર ચાલતાં ચાલતાં જ ફક્ત ત્રણ જ મિનિટમાં પ્લેનમાં રૂપાંતર થઈ શકશે. સ્લોવાકિયામાં સફળ પરીક્ષણ પછી હવે તેને સત્તાવાર રીતે ઉડવા મંજૂરી મળી ગઈ છે. યુરોપીયન એવિયેશન સેફ્ટી એજન્સી (ઇએએસએ)ના ધારાધોરણો મુજબ 200 જેટલા લેન્ડિંગ અને ટેક-ઓફનું 70 કલાકનું આકરું પરીક્ષણ કર્યા પછી તેને આ પ્રકારના ઉડ્ડયન માટે મંજૂરી મળી છે.


એર કારના સંશોધક અને ડેવલપમેન્ટ ટીમના વડા પ્રોફેસર સ્ટીફન ક્લેઇને જણાવ્યું હતું કે, એર કારના સર્ટિફિકેશન પ્રોગ્રામના લીધે અત્યંત કાર્યક્ષમ ફ્લાઇંગ કારનું મોટા પાયે ઉત્પાદન થવા લાગશે. આ પ્રોજેક્ટના સહસ્થાપક એન્ટોન ઝજાકે જણાવ્યું હતું કે, 50 વર્ષ પહેલા કાર સ્વતંત્રતાનું પ્રતિક હતી પણ ટ્રાફિકના કારણે એ સ્વતંત્રતા રૂંધાઈ હતી.  હવે એરકારે આપણને ફરીથી સ્વતંત્ર કર્યા છે. એર કાર પ્રોટોટાઇપ-1માં 160 હોર્સપાવરનું ફિકસ્ડ પ્રોપેલ્ડ એન્જિન છે. આ એન્જિન પ્રોફેસર ક્લેઇને અને સ્લોવાકિયન કંપની ક્લેઇનવિઝને વિકસાવ્યું છે.


તેમણે જણાવ્યું હતું કે, એરકારના ટેક-ઓફ અને લેન્ડિંગમાં પાઇલોટે ફ્લાઇટ્સ કંટ્રોલને જરા પણ અડવાની જરૂર પડી ન હતી. હવે સ્લોવાક પરિવહન સત્તામંડળ દ્વારા આ ક્રાફ્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ડેવલપર્સે જણાવ્યું હતું કે, નવા મોડેલને આગામી 12 મહિનામાં મંજૂરી મળી શકે તેમ છે. આ કાર આગામી વર્ષે એર અને રોડ મોડમાં જોવા મળશે તે નક્કી છે.