રુશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં ચાના બગીચા સાથે જોડાયેલા સવા કરોડ લોકો ચિંતિત બન્યા છે. આ યુદ્ધથી ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે, ભારતીય વાવેતરમાંથી લગભગ 20 ટકા ચા રશિયામાં નિકાસ કરવામાં આવે છે. યુક્રેનમાં પણ ભારતીય ચાના શોખીનો છે. હવે આ બંને દેશોમાં ચાની નિકાસ બંધ થઈ ગઈ છે. યુક્રેન તરફથી નવા ઓર્ડર મળી રહ્યા નથી કારણ કે ત્યાં લડાઈ ચાલી રહી છે. પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને કારણે ડૉલરની ચુકવણીમાં અવરોધ ઊભો થયો છે. નિકાસ બંધ છે, પેમેન્ટ સિસ્ટમ બંધ છે, આવી સ્થિતિમાં ભારતીય ચાના બગીચાના માલિકો સામે મોટી સમસ્યા ઊભી થઈ છે.
ભારત સરકાર કેટલીક નવી જગ્યાઓ પર વૈકલ્પિક બજારો વિકસાવવાની પ્રક્રિયામાં છે. ચાના નવા બજારોમાં યુએસ, જાપાન, ઈરાક, ટ્યુનિશિયા અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ચાના બગીચા ઉદ્યોગને જે નુકસાન થયું છે તે હવે આ દેશોમાં ચાની નિકાસ કરીને પૂરી કરી શકાય છે. રૂપિયા-રૂબલમાં બિઝનેસ શરૂ કરવાની વાત ચાલી રહી છે.
ભારતીય ચાના બગીચાના માલિકો ચિંતિત
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય ચાના બીજા સૌથી મોટા ખરીદદાર ગણાતા રશિયાએ હવે ત્યાં નિકાસ બંધ કરી દીધી છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. વેપારીઓને ડોલરની ચુકવણીમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ચા સંઘના અધ્યક્ષ નયનતારા પાલ ચૌધરીએ પહેલેથી જ કહ્યું છે કે ભારતીય ચા ઉત્પાદકો માટે રશિયન બજાર મહત્વપૂર્ણ છે. યુદ્ધની અસર રશિયા અને યુક્રેનની નિકાસ પર પડી છે.
તો બીજી તરફ વૈશ્વિક શિપિંગ લાઇનોએ રશિયા તરફથી આવતા જતા શિપમેન્ટ રદ કરી દીધા છે. એર કુરિયર સંપૂર્ણપણે બંધ છે. ચાના બગીચાના માલિકોને ડર છે કે ગયા વર્ષના માલનું તેમનું પેમેન્ટ અટકી જશે. પશ્ચિમી દેશોએ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) માટે રશિયન બેન્કોની પહોંચ પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી પેમેન્ટ ચુકવણીના રસ્તાઓ અવરોધિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં ભારતની ચાની નિકાસ મુશ્કેલીમાં આવી ગઈ છે. ચુકવણીની નવી પ્રક્રિયા સાથે નિકાસ શરૂ થઈ શકે છે.