INDIA Bloc Rally: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રામલીલા મેદાન ખાતે ઈન્ડિયા બ્લોકની મેગા રેલી યોજાઈ હતી. જેમાં ઘણા મોટા વિપક્ષી નેતાઓની હાજરી જોવા મળી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને એનસીપીના સ્થાપક શરદ પવાર સહિત ઘણા નેતાઓએ લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઈન્ડિયા ગઠબંધન વતી પાંચ માગણીઓ લોકો સમક્ષ વાંચી સંભળાવી હતી.


 






'ઈન્ડિયા' ગઠબંધનની પાંચ મુદ્દાની માંગણીઓ શું છે?


પ્રિયંકા ગાંધીએ મંચ પરથી ઈન્ડિયા એલાયન્સની પાંચ મુદ્દાની માંગણીઓ  જણાવી હતી. તેમણે કહ્યું કે, ભારતના ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં સમાન અવસર સુનિશ્ચિત કરવું જોઈએ. બીજી માંગ - ચૂંટણી પંચે ચૂંટણીમાં હેરાફેરી કરવાના ઉદ્દેશ્ય સાથે વિપક્ષી રાજકીય પક્ષો સામે આવકવેરા, ED અને CBI દ્વારા કરવામાં આવતી જબરદસ્તી અટકાવવી જોઈએ. ત્રીજી માંગ- હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ચોથી માંગ: ચૂંટણી દરમિયાન વિપક્ષી રાજકીય પક્ષોને આર્થિક રીતે નબળા પાડવા બળજબરીભરી કાર્યવાહી તાત્કાલિક બંધ થવી જોઈએ. પાંચમી માંગ - ચૂંટણી બોન્ડનો ઉપયોગ કરીને ભાજપ દ્વારા બદલાની ભાવના, ખંડણી અને મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એક SITની રચના થવી જોઈએ.


પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, ભાજપના શાસન દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ અલોકતાંત્રિક અવરોધો છતાં, ઈન્ડિયા ગઠબંધન લડવા, જીતવા આને આપણી લોકશાહીને બચાવવા માટે સંકલ્પબદ્ધ અને આત્મવિશ્વાસ ધરાવે છે.


'જ્યારે ભગવાન રામ સત્ય માટે લડ્યા...'


પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જ્યારે ભગવાન રામ સત્ય માટે લડ્યા ત્યારે તેમની પાસે સત્તા નહોતી. ભગવાન રામ જ્યારે સત્ય માટે લડ્યા ત્યારે તેમની પાસે સંસાધનો નહોતા. તેની પાસે રથ પણ ન હતો. રથ રાવણની પાસે હતો. રાવણ પાસે સંસાધનો હતા. રાવણની સાથે સેના હતી. રાવણ પાસે સોનું હતું, તે સોનાની લંકામાં રહેતો હતો. ભગવાન રામમાં સત્ય, આશા, વિશ્વાસ, પ્રેમ, દાન, નમ્રતા, ધૈર્ય, હિંમત અને ભગવાન રામમાં સત્ય હતું.



તેણીએ કહ્યું, "હું સત્તા પર બેઠેલા સરકારના તમામ સભ્યોને, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરાવવા માંગુ છું કે ભગવાન રામની જીવનકથાનો સંદેશ શું હતો. સત્તા કાયમ રહેતી નથી, સત્તા આવે છે અને જાય છે, અહંકાર એક દિવસ તૂટી જાય છે. આ ભગવાન રામનો સંદેશ હતો, તેમનું જીવન અને આજે અહીં રામલીલા મેદાનમાં ઊભેલી ઈન્ડિયા ગઠબંધનની પાંચ માંગણીઓ વાંચતા પહેલા, આ સંદેશને ફરી એક વાર પુનરાવર્તિત કરવાનું મને યોગ્ય લાગ્યું.