નવી દિલ્લીઃ પંજાબના મુખ્યમંત્રીપદથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યા પછી કોને મુખ્યમંત્રી બનાવાશે તે અંગે અટકળો ચાલી રહી છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિધ્ધુ,  પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ જાખડ અને કેપ્ટન અમરિન્દરસિંહ સરકારમાં કેબિનેટ મંત્રી સુખવિંદરસિહં રંધાવા અત્યાર સુધી પ્રબળ દાવેદાર મનાતા હતા પણ હવે તેમાં અંબિકા સોનીનું નામ પણ ઉમેરાયું છે.


સોનિયા ગાંધીની અત્યંત નજીક મનાતાં અંબિકા સોનીને મુખ્યમંત્રીપદની કમાન સોંપવામાં આવે એવી શક્યતા હોવાનું કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે. સોનિયા ગાંધીએ આ મુદ્દે નવજોત સિધ્ધુ અને પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ જાખડ બંને સાથે વાતચીત કરી છે. સૂત્રોનો દાવો છે કે, બંનેને અંબિકા સોનીના નામ સામે બંનેને વાંધો નથી. સુખવિંદરસિહં રંધાવાને મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ કેપ્ટન અમરિન્દરસિંહનો છે પણ અંબિકા સોનીના નામ સામે એ પણ વાંધો નહીં લે.


 


મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે નવજોત સિંહ સિધ્ધુ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે લોકો મુખ્યમંત્રી બનવા માંગે છે તેમણે મારી વિરૂધ્ધ વાતાવરણ ઉભુ કર્યું છે. મને મુખ્યમંત્રી તરીકે સિધ્ધુ બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે સવાલ કર્યો કે, જે એક મંત્રાલય ના ચલાવી શક્યો તે આખી સરકાર શું ચલાવશે ? કેપ્ટનના મતે સિધ્ધુ મુખ્યમંત્રીપદ બનવા માટે સક્ષમ નથી. કેપ્ટન અમરિન્દરસિંહનું વલણ જોતાં હાઈકમાન્ડ કેપ્ટન અમરિન્દરસિંહને વધારે નારાજ નહીં કરવા અંબિકા સોનીને ગાદી પર બેસાડી શકે છે.






કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહાર કરતાં કેપ્ટને કહ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે વારંવાર બેઠક બોલાવીને સ્પષ્ટ કર્યું કે, તેમને મારા પર વિશ્વાસ નથી અને મારુ અપમાન કરાયું છે. રાજીનામું આપવા વિશે મેં સવારે જ નિર્ણય કરી લીધો હતો. મેં સોનિયા ગાંધી સાથે વાત કરીને મારું રાજીનામું આપ્યું છે. હું દિલ્હી ઓછો જાઉં છું અને બીજા લોકો ત્યાં વધારે જાય છે તેથી તેમણે મારા વિરૂધ્ધ ત્યાં જઈને શું વાતો કરી છે તે મને ખબર નથી.