મુંબઈઃ રીલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના ઘર અંગે બે વ્યક્તિએ પૂછપરછ કરતાં મુંબઈ પોલીસ દ્વારા મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની સુરક્ષામાં સોમવારે વધારો કરી દેવામાં આવ્યો હતો. અંબાણીના ઘર અંગે સવાલ કરનારાં લોકોનો ઈરાદો એન્ટિલિયા પર હુમલો કરવાનો છે કે શું એવી અટકળો પણ શરૂ થઈ હતી પણ આ કેસમાં કશું નિક્ળ્યું નથી. ગુજરાતથી ફરવા આવેલા ત્રણ લોકોએ એન્ટિલિયા જોવાની ઈચ્છા વ્યક્ત કરતાં આ અટકળ ચાલી હતી પણ પોલીસે તપાસ કરતાં કોઈ જોખણ નહીં હોવાનું જણાયું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને સોમવારે સવારે એક ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો હતો. ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે, બે વ્યક્તિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયાના લોકેશન અંગે પૂછી રહ્યા છે. ટેક્સી ડ્રાઈનરે કહ્યું કે, કિલા કોર્ટ પાસે દાઢીવાળા વ્યક્તિએ એન્ટીલિયાનું લોકેશન પૂછ્યું હતું અને બંને પાસે એક બેગ પણ હતી.
આ માહિતી મળ્યા બાદ પોલીસે સુરક્ષા વધારીને આ વિસ્તારના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે ગુજરાતના કચ્છ ખાતેથી 3 લોકો મુંબઈ ફરવા ગયા હતા. તેમણે ગેટવે ઓફ ઈન્ડિયા જેવા પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. એ પછી તેમણે એન્ટીલિયા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કારણે તેમણે ટુરિસ્ટ કારના ડ્રાઈવરને પૂછ્યું હતું પણ તેની પાસે માહિતી ન હોવાથી અન્ય કેબ ડ્રાઈવરને એન્ટીલિયાનું સરનામુ પુછ્યું હતું. કેબ ડ્રાઈવરે પહેલાં તો તેમને ઓનલાઈન શોધી લેવા કહ્યું હતું પરંતુ બાદમાં રસ્તો બતાવી દીધો હતો. ત્યાર બાદ સૌ પર્યટકો એન્ટીલિયા જોવા પહોંચ્યા હતા અને સોમવારે જ ગુજરાત માટે રવાના થઈ ગયા હતા.
આ અંગે કેબ ડ્રાઈવરને શંકા થતા તેણે પોલીસ કંટ્રોલ રૂમને સૂચના આપી હતી. મુંબઈ પોલીસે સોમવારે રાતે શંકાસ્પદ ટુરિસ્ટ કારની માહિતી મેળવી તો એ બહાર આવ્યું કે, અંબાણી પરિવાર પર કોઈ જોખમ નહોતું. વાશી ખાતેથી કસ્ટડીમાં લેવામાં આવેલા ડ્રાઈવરનો કોઈ ગુનાહીત ઈતિહાસ નથી અને તેને છોડી દેવામાં આવ્યો હતો.