જમ્મુ કાશ્મીર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીના તિરંગાના વિવાદિત નિવેદન બાદ ત્રણ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દિધા હતા, હવે આ ત્રણેય નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થયા છે. જે ત્રણ નેતાઓ કૉંગ્રેસમાં સામેલ થયા છે તેમના નામ વેદ મહાજન, હુસૈન અલી વાફ અને ટીએસ બાજવા છે. આ જાણકારી વેદ મહાજને આપી છે.



ઉલ્લેખનીય છે કે ગત મહિને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ રાષ્ટ્ર ધ્વજ તિરંગાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ ઘણા નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. આ મુદ્દાને લઈને 26 ઓક્ટોબરે આ ત્રણ નેતાઓએ પીડીપીમાંથી રાજીનામા આપ્યા હતા. વેદ મહાજને ત્યારે કહ્યું હતું કે આપણો રાષ્ટ્ર ધ્વજ આપણું ગૌરવ છે. અમે તેના નિવેદનથી નારાજ થયા. આજે અમે જમ્મુ કાશ્મીરના લોકોને બતાવી દિધુ કે અમે ધર્મનિરપેક્ષ છીએ. પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ છે જે રાજીનામા આપી શકે છે.

આ ત્રણેય પીડીપી નેતાઓના રાજીનામાં બાદ રાજકારણ ગરમાયું હતું. દરેક તેમના કોઈ પાર્ટીમાં સામેલ થવાની અટકળો લગાવી રહ્યા હતા. હવે સ્થિતિ સાફ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ મહેબૂબા મુફ્તી વિવાદિત નિવેદન આપી રહી છે.