નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ મામલામાં દોષિતોને 20 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે. આ અગાઉ દોષિતોએ ફાંસીથી બચવા માટે તમામ કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરી રહ્યા છે. ચારમાંથી ત્રણ દોષિતો અક્ષય, પવન અને વિનયે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી છે અને ફાંસીની સજા પર રોક લગાવવાની માંગ કરી છે.


દોષિતોના વકીલે કહ્યુ કે, કેસ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રજૂ કરવામાં આવ્યો છે. દોષિતોના હકની વાતોની ઉપેક્ષા કરવામાં આવી છે. એટલા માટે કેટલાક વિદેશી એનજીઓ કેસને ઇન્ટરનેશનલ કોર્ટમાં લઇ ગયા છે. જોકે, આ વાતોની 20 માર્ચના રોજ ફાંસી પર કોઇ અસર પડવાની આશા નથી.



આ અગાઉ આજે સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશ સિહની એ અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે પોતાના તમામ કાયદાકીય ઉપાયોને એમ કહીને જાળવી રાખવાની વાત કરી હતી કે તેના જૂના વકીલે તેને ગેરમાર્ગે દોર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ કાયદાકીય ઉપાયોને પુનઃસ્થાપિત કરવાની મુકેશ સિંહની અરજી ધ્યાનમાં લેવા યોગ્ય નથી.

જ્યારે નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યુ કે, કોર્ટ જાણે છે કે કેવી રીતે ફાંસીને વારંવાર આગળ વધારવામાં આવી રહી છે. હવે તેમની કોઇ રેમેડી બાકી નથી તો મને વિશ્વાસ છે કે તેમને 20 માર્ચના રોજ ફાંસી અપાશે અને નિર્ભયાને ન્યાય મળશે. નોંધનીય છે કે દોષિતોને 20 માર્ચના રોજ સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવામાં આવશે.