અમૃતસરઃ પંજાબના અમૃતસરના રાજાસાંસી સ્થિત નિરંકારી ભવનમાં ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આ હુમલામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, નિરંકારી ભવનમાં બાઇક પર આવેલા બે યુવકોએ ગ્રેનેડ ફેંક્યા હતા અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસને શંકા છે કે આ હુમલામાં વિદેશી કટ્ટરપંથીઓનો હાથ હોઇ શકે છે. હાલમાં ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી પુરાવા એકઠા કરી રહી છે. આ હુમલા બાદ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દિલ્હીના નિરંકારી આશ્રમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઘટનાના સાક્ષીઓના મતે બાઇકસવાર બે હુમલાખોરોએ ગ્રેનેડ ફેંકતા અગાઉ ગેટ પર ઉભેલા લોકોને ગન પણ બતાવી હતી. હુમલાની જાણ થતા પંજાબના ડીજીપી સુરેશ અરોરા ચંડિગઢથી અમૃતસર રવાના થયા હતા. નોંધનીય છે કે અમૃતસરમાં અગાઉથી જ આતંકી હુમલાને લઇને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું એવામાં આ પ્રકારની ઘટનાને કારણે સુરક્ષા પર મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે.
પંજાબમાં આતંકી મૂસાને કારણે હાઇએલર્ટ જાહેર કરાયું હતું. તે સિવાય 14 નવેમ્બરના રોજ ફિરોઝપુર બોર્ડર પર ચાર હથિયારધારી લોકોએ એક ઇનોવા કાર છીનવી પંજાબ તરફ ભાગ્યા હતા તેવા રિપોર્ટ આવ્યા હતા.