ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરકાશીમાં અઢી કલાકના સમયગાળામાં ત્રણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી, જેના કારણે ધરાલીમાં ભારે નુકસાન થયું હતું. હર્ષિલ અને ગંગનાની નજીક સુક્કી ટાપ અને આર્મી કેમ્પ હર્ષિલમાં પણ આપત્તિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જાગરણના રિપોર્ટ અનુસાર જળશક્તિ મંત્રાલય દ્ધારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વાદળ ફાટવાની પહેલી ઘટના બપોરે 1 વાગ્યે બની હતી, જેના કારણે ખીરગંગા નદી કાદવ અને પાણીથી ભરાઈ ગઈ હતી. તેનાથી 15 રહેણાંક મકાનો નાશ પામ્યા હતા. જ્યારે 6 થી 7 દુકાનોને પણ નુકસાન થયું હતું. ડઝનબંધ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
વાદળ ફાટવાની બીજી ઘટના બપોરે 3 વાગ્યે હર્ષિલ અને ગંગનાની વચ્ચે સુક્કી ટાપ નજીક બની હતી, જેમાં જાનમાલના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ પછી ત્રીજી ઘટના બપોરે 3:30 વાગ્યે બની હતી, જે હર્ષિલ આર્મી કેમ્પ નજીક બની હતી. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાગીરથી નદીનો પ્રવાહ રોકાવાથી બનેલા તળાવને કારણે હર્ષિલ હેલિપેડ પાણીમાં ડૂબી ગયું. ભવિષ્યમાં પણ ચોમાસા દરમિયાન આવી ઘટનાઓ બનતી રહેશે. અત્યાર સુધી વાદળ ફાટવાની ઘટનાઓને રોકવા માટે કોઈ વૈજ્ઞાનિક ઉકેલ શોધાયો નથી, તેથી તકેદારી એ જ એકમાત્ર ઉપાય છે.
આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ARIES) નૈનિતાલના વરિષ્ઠ પર્યાવરણીય વૈજ્ઞાનિક ડૉ. નરેન્દ્ર સિંહ કહે છે કે છેલ્લા દોઢ દાયકાથી વાદળ ફાટવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. ધરાલી ટેકરીઓ સીધી અને ખૂબ ઊંચી પણ છે. વાદળો તેમની વચ્ચે અટકી જાય છે. વાદળોમાં વધુ પડતા ભેજને કારણે તે ફાટી જાય છે. આવી પરિસ્થિતિઓ ક્યારેક ક્યારેક જ સર્જાય છે પરંતુ જ્યારે તે બને છે ત્યારે ખતરનાક દ્રશ્ય સામે આવે છે. મંગળવારે ધરાલીમાં આવું જ જોવા મળ્યું. ધરાલી વિસ્તારની ભૌગોલિક રચના વાદળ ફાટવા માટે અનુકૂળ છે.
જો ટેકરીની તળેટીમાં કોઈ વસાહત ન હોત તો જાનમાલનું આટલું નુકસાન ન થયું હોત. ચોમાસુ વાદળ ફાટવામાં મદદ કરે છે અને મોટાભાગની ઘટનાઓ આ સમય દરમિયાન બને છે. પર્વતીય પ્રદેશોમાં ઘણી જગ્યાએ ઊંચા પર્વતો એકબીજાને અડીને આવેલા છે, જે વાદળ ફાટવાની ઘટનાઓને આમંત્રણ આપે છે.
ડૉ. નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વાદળ ફાટવાથી બચવા માટે અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક ઉકેલ શોધાયો નથી. તેનાથી રક્ષણ માટે સાવચેત રહેવાની વધુ જરૂર છે. પર્વતોમાં ઘર બનાવતા પહેલા પર્યાવરણીય પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં રાખવી પડશે અને ભૌગોલિક પરિસ્થિતિઓને પણ સમજવી પડશે. વાદળ ફાટવાની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવું પડશે.