તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર બાલાજીના મંદિરમાં પ્રસાદના લાડુમાં ભેળસેળયુક્ત ઘીના કથિત ઉપયોગ સંબંધિત કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. દરમિયાન કોર્ટે તપાસ માટે નવી સીટની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારની SIT તિરુપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ નહીં કરે. આ માટે નવી SITની રચના કરવામાં આવી છે.






સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તિરુપતિ વેંકટેશ્વર સ્વામી બાલાજી મંદિરના પ્રસાદ લાડુના વિવાદની તપાસ કરવાનો આદેશ જાહેર કર્યો છે અને સીબીઆઈ ડિરેક્ટરની દેખરેખ હેઠળ નવી વિશેષ તપાસ સમિતિની રચના કરી છે.






કોર્ટને રાજકીય લડાઈનો અખાડો ન બનાવી શકાય.


કોર્ટે કહ્યું કે અમે કોર્ટને રાજકીય લડાઈના અખાડામાં ફેરવવાની મંજૂરી આપી શકીએ નહીં. નવી SITમાં બે CBI અધિકારીઓ, આંધ્ર પ્રદેશ સરકારના બે પ્રતિનિધિ અને FSSAIના એક સભ્યનો સમાવેશ થાય છે. સીબીઆઈ ડાયરેક્ટર એસઆઈટીની તપાસ પર નજર રાખશે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તિરુપતિ બાલાજીના પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની રાજ્ય સરકારની SIT તપાસ કરશે નહીં.


જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની ખંડપીઠ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમને SITની ક્ષમતાને લઇને કોઈ શંકા નથી. અમે ઈચ્છીએ છીએ કે તપાસની દેખરેખ કેન્દ્રીય પોલીસ દળના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવે. મેં મુદ્દાની તપાસની વાત કરી છે. આમાં એક વાત સ્પષ્ટ છે કે જો આ આરોપમાં સત્યતાનું કોઈ તત્વ હોય તો તે અસ્વીકાર્ય છે. દેશભરમાં ભક્તો છે. ખાદ્ય સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. SIT સભ્યો દ્વારા કરવામાં આવી રહેલી તપાસ સામે મને કોઈ વાંધો નથી.


આ પહેલા આંધ્ર પ્રદેશ સરકારના વકીલે કહ્યું હતું કે જો કોર્ટ કોઈ અધિકારીને સીટમાં સામેલ કરવા માંગે છે તો અમને કોઇ વાંધો નથી. અરજદાર વતી કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે ગઈ કાલે આ સંબંધમાં ફરી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સિબ્બલે માંગ કરી હતી કે કોર્ટે આ કેસની તપાસની જવાબદારી સીટને બદલે સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવી જોઈએ.


તેના પર કોર્ટે કહ્યું હતું કે આ કરોડો લોકોની આસ્થાનો મામલો છે. અમે નથી ઈચ્છતા કે આ રાજકીય નાટક બને. કોર્ટે સૂચવ્યું કે પાંચ લોકોની SITની રચના કરવામાં આવી શકે છે જેમાં બે CBI અધિકારીઓ અને FSSAIના એક સભ્ય અને રાજ્ય સરકારના બે અધિકારીઓનો સમાવેશ થાય છે.