Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગના કારણે 6 લોકોના મોત થયા છે. ભાગદોડને કારણે 40 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તિરુપતિમાં વાર્ષિક વૈકુંઠ દર્શન ટિકિટ કાઉન્ટરો પર અરાજકતા ફેલાઇ ગઇ હતી કારણ કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ રિલીઝ કરવાની શરૂઆત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પીએમએ કહ્યું હતું કે, આંધ્રપ્રદેશના તિરુપતિમાં થયેલી ભાગદોડથી હું દુઃખી છું. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. આંધ્રપ્રદેશ સરકાર પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વાર ખાતે દર્શન ટોકન માટે તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ નજીક થયેલી ભાગદોડમાં 6 ભક્તોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. રાજ્યના ગૃહમંત્રી અનિતાએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સીએમ ચંદ્રાબાબુએ કહ્યું, "તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વારના દર્શન માટે ટોકન મેળવવા માટે તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ પાસે થયેલી ભાગદોડમાં ઘણા શ્રદ્ધાળુઓના મોતથી મને આઘાત લાગ્યો છે. આ દુ:ખદ ઘટના ત્યારે બની જ્યારે ભક્તો મોટી સંખ્યામાં ટોકન લેવા માટે રાહ જોઈ રહ્યા હતા. મેં ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને રાહતના પગલાં લેવા નિર્દેશ આપ્યો છે જેથી ઘાયલોને સારવાર મળી શકે. વધુ સારી તબીબી સારવાર પૂરી પાડી શકાય. અને તેમના જીવ બચાવી શકાય છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ગૃહમંત્રી અનિતાએ તિરુપતિ જિલ્લાના એસપી સુબ્બારાયડુ સાથે ફોન પર વાત કરી અને વિગતવાર માહિતી મેળવી હતી.
રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ દુખદ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, "તિરુપતિમાં થયેલી ભાગદોડની ઘટના ખૂબ જ દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. હું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને આ મુશ્કેલ સમયમાં શક્ય તેટલી મદદ કરવા વિનંતી કરું છું.