TMC National Party Status: ભારતના ચૂંટણી પંચે સોમવારે (10 એપ્રિલ) તૃણમુલ કોંગ્રેસનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ ટીએમસી કાયદાકીય વિકલ્પ શોધી રહી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ટીએમસી ચૂંટણી પંચના નિર્ણયને પડકારી શકે છે. ન્યૂઝ એજન્સી ANIએ આ જાણકારી આપી છે.






ટીએમસીના સાંસદોએ શું કહ્યુ


ટીએમસી સાંસદ સૌગત રોયે આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે “ટીએમસીને મુશ્કેલીઓ દૂર કરવી પડશે. અમે તેને પણ દૂર કરીશું. અમારે જે કરવાનું છે તે કરતા રહીશું, તેનાથી કોઈ ફરક નહીં પડે. આ અંગે અત્યારે વધારે બોલવા નથી માંગતા, પછી વાત કરીશું.






આ પક્ષો પાસેથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પણ છીનવાઈ ગયો


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ટીએમસી સિવાય એનસીપી અને સીપીઆઈએ પણ તેમની રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવ્યો છે. પંચે કહ્યું કે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ટીએમસીની રાજ્ય સ્તરીય પાર્ટીની સ્થિતિ ચાલુ રહેશે. જ્યારે મેઘાલયમાં વોઈસ ઓફ ધ પીપલ પાર્ટીને રાજ્યની પાર્ટીનો દરજ્જો મળ્યો છે. ચૂંટણી પંચ અનુસાર આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો અકબંધ રહેશે. AAPને આ દરજ્જો દિલ્હી, ગોવા, પંજાબ અને ગુજરાત એમ ચાર રાજ્યોમાં તેના ચૂંટણી પ્રદર્શનના આધારે આપવામાં આવ્યો હતો.


આ રાષ્ટ્રીય પક્ષો છે


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય પક્ષોની યાદીમાં હવે ભાજપ, કોંગ્રેસ, માર્કસવાદી કમ્યુનિટ પાર્ટી(CPI-M), બહુજન સમાજ પાર્ટી (BSP), નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને AAPનો સમાવેશ થાય છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આના પર ખુશી વ્યક્ત કરી છે, સાથે જ દેશવાસીઓનો આભાર માન્યો છે.


લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન) નાગાલેન્ડમાં અને ત્રિપુરામાં ટીપ્રા મોથા પાર્ટીને રાજ્ય પાર્ટી તરીકે માન્યતા ચાલુ રહેશે. પંચે કહ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં તેના પ્રદર્શનના આધારે એનસીપી પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.


તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ને ચૂંટણી પંચ દ્વારા 'આંધ્ર પ્રદેશમાં રાજ્ય પક્ષ' તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટીને  રાજ્ય પક્ષ તરીકે અમાન્ય જાહેર કરવામાં આવી છે.