મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના નાયબ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મજબૂત નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા છે. અહીં તેમણે હેલિકોપ્ટરમાંથી પોતાના મોબાઈલમાં એક વીડિયો પણ કેપ્ચર કર્યો હતો, જેમાં રામ મંદિરના નિર્માણનું કામકાજ બતાવવામાં આવ્યું હતું. ફડણવીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો ટ્વીટ કર્યો છે.
ફડણવીસ અને શિંદે લગભગ 3,000 શિવસૈનિકો સાથે અયોધ્યાના પ્રવાસે છે. જેમાં ઘણા સાંસદો અને ધારાસભ્યો અને પોતપોતાના પક્ષોના મંત્રીઓનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટરમાંથી કેપ્ચર થયેલો એક વીડિયો શેર કરતા ફડણવીસે લખ્યું, “આ રીતે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. હેલિકોપ્ટર દ્વારા લખનૌથી અયોધ્યા સુધીના રૂટનું એરિયલ વ્યુ. જય શ્રી રામ."
શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે પર રામ મંદિરના નિર્માણને લઈને નિશાન સાધતા શિંદેએ કહ્યું કે રામજન્મભૂમિ પર મંદિર નિર્માણની તારીખ માગનારાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઘરનો રસ્તો' બતાવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર અયોધ્યા પહોંચેલા શિંદેએ કહ્યું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર બનાવવાનું સપનું હવે પૂરું થઈ રહ્યું છે. ફડણવીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો ટ્વીટ કર્યો છે.
સવારે અયોધ્યામાં રામકથા હેલિપેડ પર ઉતરેલા શિંદેએ પહેલા રામલલા અને પછી હનુમાનગઢીના દર્શન કર્યા. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કૈસરગંજના બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પણ હતા. આ પ્રસંગે તેમના સંબોધનમાં શિંદેએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, “પહેલા કેટલાક લોકો કહેતા હતા કે મંદિર ત્યાં બનશે પરંતુ તારીખ જણાવશે નહીં, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધાને ખોટા પાડી દીધા છે. રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે." મંદિર પણ બની રહ્યું છે અને તારીખ પણ તેમના દ્વારા જણાવવામાં આવી છે અને જેઓ (તારીખ) પૂછતા હતા તેમને ઘરનો રસ્તો પણ બતાવી દેવામાં આવ્યો છે.