Maharashtra News: મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના થઈ હતી. ભારે વરસાદ અને પવનને કારણે મંદિરના ટીન શેડ પર લીમડાનું વિશાળ વૃક્ષ પડતાં સાત લોકોનાં મોત થયાં હતાં જ્યારે ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા.


ઝાડ તૂટીને શેડ પર પડતાં સર્જાઈ દુર્ઘટના


રવિવારે મોડી સાંજે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. દરમિયાન, અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ ગામમાં બાબુજી મહારાજના મંદિર સંસ્થાનમાં એક જૂનું લીમડાનું ઝાડ ઉખડી ગયું અને ટીન શેડ પર પડ્યું. ત્યારે વરસાદના કારણે અનેક લોકોએ શેડ નીચે આશરો લીધો હતો. માહિતી મળતાં જ સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.


ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા 


ગ્રામજનોએ પ્રશાસનને પણ જાણ કરી હતી જે બાદ પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. પડી ગયેલા વૃક્ષો અને પડેલા શેડને ઉપાડવા માટે જેસીબી મશીનો તૈનાત કરાયા હતા. અકોલા કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું કે ઝાડ પડવાને કારણે 7 લોકોના મોત થયા છે જ્યારે 30-40 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


કલેક્ટરે કહ્યું કે અકસ્માત સમયે શેડની નીચે લગભગ 40 લોકો હાજર હતા. 36 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 4 લોકો હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. બાદમાં મૃત્યુઆંક વધીને 7 થયો હતો. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.






નાયબ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું


મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કર્યું, "એ જણાવતાં દુઃખ થાય છે કે અકોલા જિલ્લાના પારસમાં એક ધાર્મિક સમારોહ દરમિયાન શેડ પર ઝાડ પડતાં કેટલાક શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા.


તેમણે આગળ લખ્યું, કલેક્ટર અને પોલીસ અધિક્ષક તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને ઘાયલોની સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે સંકલન કરી રહ્યા છે. અમે તેમની સાથે સતત સંપર્કમાં છીએ.