ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અનેક નેતા એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અને હુમલાના પુરાવા માંગી રહ્યાં છે. દિગ્વિજય સિંહે પુરાવા માંગ્યા હતાં. જેને લઈને વડાપ્રધાને દિગ્વિજય સિંહનું નામ લીધા વગર જ કહ્યું હતું કે, જે પાર્ટીએ સૌથી લાંબો સમય દેશમાં રાજ કર્યું હોય, જે પાર્ટીના નેતાઓએ આપણી પરાક્રમી સેનાના હાથ બાંધીને રાખ્યા હોય, તેના નેતાઓ આજે આપણા વીર જવાનોના સામર્થ્ય પર સવાલ ઊઠાવી રહ્યા છે. તેમાં પણ મધ્ય પ્રદેશના એક નેતા તો બધાથી આગળ છે. આ મહાશયે તો પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવી એટલે કે એક અકસ્માત કે જે એમ જ થઈ ગયો.
વડાપ્રધાને આકરા પ્રહાર કરવાનું યથાવત રાખતા કહ્યું હતું કે, દેશવાસી સમજી લે કે આ લોકો કંઈ એમ જ નથી બોલી રહ્યાં પણ તેમની માનસીકતા જ કંઈક આવી છે. આવુ જ વલણ તેમની રગોમાં પણ વહે છે. આતંકવાદીઓને બચાવવા માટે તેમના હુમલાને માત્ર અકસ્માત ગણાવે છે. તો શું પુલવામામાં થયું તે માત્ર એક અકસ્માત હતો? આ એ જ નામદાર પરિવારના સિપાહસાલાર છે, જેમને આતંકી ઓસામા બિન લાદેન શાંતિદૂત લાગતો હતો. આ એ જ મહાશય છે, જેમની મુંબઈ હુમલામાં પણ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી હતી અને તપાસને આડા માર્ગે દોરવાનું કામ કર્યું હતું.
દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર ટોણો મારતા કહ્યું હતું કે, જ્યારે બટલા હાઉસ એન્કાઉન્ટર થયો હતું ત્યારે તો એક રાગદરબારીએ કહ્યું હતું કે, આતંકીની મોત પર રિમોટ કંટ્રોલથી સરકાર ચાલાવનારાના આંસુ અટકવાનું નામ જ નોતા લઈ રહ્યાં. શું આપણે આવી કોંગ્રેસ પાસે આશા રાખી શકીએ કે તે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. પીએમ મોદીએ આગળ ઉમેર્યું હતું કે, આ એ જ લોકો છે જે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર સવાલ ખડા કરી રહ્યાં છે. તેમની સરકાર હતી ત્યારે તો આ લોકો આતંકી હુમલા પર ચુપ બેસતા હતા અને આપણા વીર જવાનોની કાર્યવાહી પર આંસુ વહાવતા હતાં. આજે ફરી એકવાર તેમનો બેવડો ચહેરો સામે આવ્યો છે. એર સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ અની સદમામાં ભારતમાં બેઠેલા લોકો છે.
ભારતમાં મહામિલાવટ કરનારા લોકો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મિલાવટ કરવામાં લાગ્યા છે. પોતાન રાજકીય સ્વાર્થ માટે પાકિસ્તાન સાથે મળીને આ લોકો આવું કરી રહ્યા છે. અહીં આ લોકો મોદીને ગાળો આપો છે અને પાકિસ્તાનમાં તેમના માટે તાળીઓનો ગળગળાટ થાય છે. આજકાલ આ મહામિલાવટી લોકો પાકિસ્તાનનાં પોસ્ટર બોય પણ બની ગયા છે.