નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કૉંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, દિલ્હીમાં કૉંગ્રેસનું ભાજપ સાથે અંદરખાને ગઠબંધન છે. કેજરીવાલે કહ્યું તેમની પાર્ટી દિલ્હીમાં કૉંગ્રેસ-ભાજપ ગઠબંધન સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે અને દિલ્હીના લોકો આ અપવિત્ર ગઠબંધનને હરાવશે. કેજરીવાલનું આ નિવેદન દિલ્હીમાં બેઠકો નક્કી કરવાને લઈને કૉંગ્રેસ સાથે સહમતી ન બની ત્યારબાદ આવ્યું છે.



કૉંગ્રેસ સાથે બેઠકોને લઈને સહમતી ન બન્યા બાદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું, એવા સમયે જ્યારે સમગ્ર દેશ મોદી-શાહની જોડીને હરાવવા માંગે છે પરંતુ કૉંગ્રેસ ભાજપ વિરોધી મતોનું ધ્રૃવિકરણ કરી તેની મદદ કરી રહ્યું છે. એવી ચર્ચા છે કે ભાજપ સાથે કૉંગ્રેસના અંદરખાને કરાર છે. દિલ્હીના લોકો ભાજપ-કૉંગ્રેસ ગઠબંધન સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. દિલ્હીના લોકો આ અપવિત્ર ગઠબંધનને હરાવશે.


આ પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતે કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન નહી થાય અને પાર્ટીએ સર્વસમ્મતિથી એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં ગઠબંધન પર ચર્ચા માટે પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી હતી.