Lockdown 2.0: નેશનલ હાઈવે પર 20 એપ્રિલથી ફરી વસૂલવામાં આવશે ટોલ ટેક્સ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Apr 2020 12:04 PM (IST)
આ દરમિયાન ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રસે કેન્દ્ર સરકારને ટોલ વસૂલવાના ફેંસલા પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે.
નવી દિલ્હીઃ નેશનલ હાઈવે પર 20 એપ્રિલથી ફરી એક વખત ટોલ વસૂલવામાં આવશે. કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને 20 એપ્રિલથી ટોલ વસૂલવાની મંજૂરી આપી દીધી છે. લોકડાઉનના પ્રથમ તબક્કાની સમાપ્તિના એક દિવસ બાદ 15 એપ્રિલથી ટોલ વસૂલવાનું કામ ફરીથી શરૂ કરવાની યોજના બનાવાઈ હતી. જોકે, બાદમાં કેન્દ્ર દ્વારા લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું હતું. ગૃહમંત્રાલયે અનેક જરૂરી ઉદ્યોગોને 20 એપ્રિલથી ફરી શરૂ કરવા છૂટ આપી છે. ગૃહ મંત્રાલયે નેશનલ હાઇવે ઓથોરિટીને લખેલા પત્રમા કહ્યું છે કે, ટોલ ટેક્સ સરકારી ખજાનાના સંગ્રહમાં યોગદાન આપે છે અને એનએચઆઈને નાણાકીય શક્તિ આપે છે. તમામ ટ્રકો તથા અન્ય સામાનની હેરફેર કરતા વાહનો તથા આંતરરાજ્ય અને બાહ્ય રાજ્યમાં આવવા-જવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ઢીલને ધ્યાનમાં રાખી એનએચઆઈના આદેશોનું પાલન કરવા જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને 20 એપ્રિલથી ફરી ટોલ ટેક્સ લેવાનું શરૂ કરવામાં આવશે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રસે કેન્દ્ર સરકારને ટોલ વસૂલવાના ફેંસલા પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે. સંસ્થાના અધ્યક્ષ કલતારન સિંહ અટવાલે કહ્યું કે, સરકારે કોઈ પણ ક્ષેત્ર પર નાણાકીય બોજ નાંખતા પહેલા ફેર વિચારણા કરવી જોઈએ.